રાજ્યમાં શ્રાવણ વદ આઠમે, ૨૬મી ઓગસ્ટ ને સોમવારે યાત્રાધામ દ્વારકા અને ડાકોર સહિતના મંદિરોમાં વરસાદની હેલી વચ્ચે જન્માષ્ટીની ઉજવણી કરાઈ હતી. ભાવિકોમાં ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. જગતમંદિરને કલાત્મક રોશની સુશોભિત કરાયું હતું. અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત શામળાજી મંદિર સુંદર, રંગબેરંગી રોશનીથી ઝળહળતું ઉઠ્યું હતું. જન્માષ્ટમી માટે મંદિરમાં લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું હતું. .
દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૧મા જન્મોત્સવને મનાવવા તડામાર તૈયારીઓ કરાઈ હતી. યાત્રિકોના ધસારાને પહોંચી વળવા રેલવેએ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો હતો. સામાન્ય રીતે જન્માષ્ટમી પર્વે લાખો ભાવિકો ભગવાન કૃષ્ણના દર્શન માટે દ્વારકા ઉમટતા હોય છે, પરંતુ આ વખત ભારે વરસાદને કારણે ભક્તોના આગમનમાં ઘટાડો થયો હતો.
દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂક્ષ્મણી મંદિર, બેટ દ્વારકા, ગોપી તળાવ જેવા તીર્થસ્થાનો ઉપરાંત શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, દ્વારકાનો ભડકેશ્વર બીચ, પંચકુઈ બીચ તથા સંગમનારાયણ ચોપાટી પાસે પણ સહેલાણીઓનો તથા પ્રવાસીઓ જોવા મળ્યા હતાં.
ડાકોરમાં સોમવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરાઈ હતી. મંદિરને આસોપાલવના તોરણો, રોશની, ધજા- પતાકા અને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. ઠાકોરજીને રાતે ૧૨ કલાકે ઉત્સવ તિલક કરી અભીયંગ સ્નાન બાદ સવા લાખનો મુગટ પહેરવાની યોજના હતી ગોપાલલાલજીને સોનાના પારણે ઝુલાવવામાં આવ્યા હતા અને નંદ ઘેર આનંદ ભયોના જયઘોષ સાથે મંદિર પરિષદ ગૂંજી ઉઠ્યું હતું. ડાકોરમાં સાતમને તા. ૨૫મીને રવિવારે ઉત્થાપન આરતી બાદ ઠાકોરજીને સવાસેર સુંઠ ધરાવવામાં આવી હતી. ડાકોરમાં ઠેર ઠેર મટકીફોડના આયોજન કરાયું હતું. સોમવારે સવારે ૬.૩૦ વાગ્યે ડાકોર મંદિર ખૂલી ૬.૪૫ કલાકે મંગળા આરતી થઈ હતી અને ભક્તો માટે મંદિર ખુલ્લું મૂકાયું હતું. સવારે ઠાકોરજીને કેસર પંચામૃત સ્નાન બાદ અલંકારી આભૂષણો ધરાવવામાં આવ્યાં હતા. મંદિરમાં ૨૭મીને મંગળવારે નંદમહોત્સવ ઉજવણીનું આયોજન કરાયું હતું. જેમાં સવારે ૮.૪૫ કલાકે નીજમંદિર ખૂલી ૯ કલાકે મંગળા આરતી, નિત્ય સેવાપૂજા બાદ શણગાર આરતી કરી નંદમહોત્સવ ઉજવાશે.
અમદાવાદના ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીના શણગાર માટે થાઈલેન્ડથી 900 કિલો ફૂલો મંગાવવામાં આવ્યાં હતા. ભગવાનના વાઘા પણ વૃંદાવનથી મંગાવવામાં આવ્યાં હતાં રાજકોટમાં ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવનોના ભાગરૂપે મંદિર અને પરિસર ફૂલ-રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આરતી કરીને પંચગવ્ય, કેસર, ગંગાજળ, પંચામૃત તેમજ ફળોના રસથી મહાભિષેક કરાયો હતો અને 600થી વધુ વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.