દેશ-વિદેશમાં વસતાં ભારતીયો ભારે ધામધૂમથી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરે છે. આ પર્વની ઝલક બોલીવૂડની ફિલ્મો અને તેના ગીતોમાં પણ જોવા મળે છે. અહીં જન્માષ્ટમી નિમિત્તે હિન્દી ફિલ્મોનાં કેટલાક એવાં ગીતો રજૂ કરવામાં આવ્યા છે. ખાસ તો કૃષ્ણને કેન્દ્રમાં રાખીને અને આ તહેવારને લઇને તે ગીતનું ફિલ્માંકન કરવામાં આવ્યું હોય. વિશેષમાં તો હવે આ ગીતો જન્માષ્ટમીની જાહેર ઉજવણી વખતે પણ વગાડવામાં આવે છે. આમ, હિન્દી ફિલ્મોમાં ભગવાન કૃષ્ણ આધારિત ગીતો અને જન્માષ્ટમીની ઉજવણી વખતે તેનો ઉપયોગ એકબીજાના પૂરક બની ગયા છે. આ તહેવારની ઉજવણીમાં સામાન્ય લોકોની સાથે ફિલ્મો અને ટીવીના કલાકારો પણ ખૂબ જ ઉત્સાહથી જોડાતા હોય છે.
‘ગો.. ગો.. ગો.. ગોવિંદા…’
ફિલ્મ ‘ઓહ માય ગોડ’નું આ ગીત દર્શકોમાં ઘણું લોકપ્રિય બન્યું હતું. જન્માષ્ટમીની ઉજવણીમાં આ ગીત ઠેકઠેકાણે ગવાતું હોય છે. આ ગીત વગર તહેવારની ઉજવણી અધુરી હોય તેવું લાગે છે.
‘રાધે રાધે…’
આયુષ્યમાન ખુરાના અને નુસરત ભરૂચાની ફિલ્મ ‘ડ્રીમગર્લ’નું આ ડાન્સ-ટ્રેક ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આ ગીત સાંભળીને દરેકનું શરીર નૃત્ય કરવા મજબૂર બને છે.
‘મોહે રંગ દે લાલ…’
ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’નું આ ગીત ‘મોહે રંગ દે લાલ…’ દીપિકા પદુકોણ પર ફિલ્માવાયું હતું. આ ગીતનો પણ ઉપયોગ જન્માષ્ટમીના તહેવારે જોવા મળે છે.
‘રાધા કૈસે ન જલે…’
જાણીતી ફિલ્મ ‘લગાન’નું આ ગીત ‘રાધા કૈસે ન જલે…’ને ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આજે પણ આ ગીતને લોકો સાંભળે છે. લતા મંગેશકર અને ઉદિત નારાયણના અવાજમાં ગવાયેલું આ ગીત જન્માષ્ટમીમાં અચૂક સંભળાતું હોય છે.
‘મૈય્યા યશોદા…’
સુરજ બડજાત્યાની ખૂબ જ જાણીતી ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નું આ ગીત પણ ઘણું જાણીતું બન્યું હતું. સલમાન ખાન, સૈફઅલી ખાન, તબ્બુ, કરિશ્મા કપૂર અને સોનાલી બેન્દ્રે જેવા દિગ્ગજ કલાકારો અભિનિત આ પારિવારિક ફિલ્મ ખૂબ જ હિટ ગઇ હતી.
‘કાન્હા સોજા જરા…’
આ ગીત સુપરહીટ ફિલ્મ ‘બાહુબલી-2’નું છે. આ ગીતમાં ભગવાન કૃષ્ણના નટખટ સ્વરૂપને રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતમાં અનુષ્કા શેટ્ટી અને પ્રભાસે અભિનય આપ્યો છે.
‘યશોમતી મૈયા સે…’
શશી કપૂર-ઝીનત અમાન અભિનિત ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ ફિલ્મના આ ગીતમાં લતા મંગેશકર અને મન્ના ડેએ સ્વર આપ્યો હતો. બાળ કલાકાર પદ્મિની કોલ્હાપૂરે પર આ ગીતનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું.
‘ગોવિંદા આલા રે આલા…’
ફિલ્મ ‘બ્લફ માસ્ટર’ના આ ગીતને પણ જન્માષ્ટમી અને દહીં-હાંડીના કાર્યક્રમોમાં અચૂક યાદ કરવામાં આવે છે.
‘શોર મચ ગયા શોર સારી નગરી મેં…’
અમિતાભ બચ્ચન અને પરવીન બાબી અભિનિત આ ગીત ‘ખુદ્દાર’ ફિલ્મનું છે. જેમાં આ ગીતનું ફિલ્માંકન જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું હતું.આ ગીતમાં અમિતાભ બચ્ચન મટકી ફોડતા નજરે પડે છે.
‘ચાંદી કી ડાલ પર સોને કા મોર…’
સલમાન ખાન અને રાની મુખરજી અભિનિત ફિલ્મ ‘હેલો બ્રધર્સ’નું આ ગીત છે. આ ગીત પણ ખૂબ લોકપ્રિય બન્યું હતું.
‘વો કિસના હૈ…’
વિવેક ઓબેરોય અને ઈશા શરવાનીના આ ગીત ‘વો કિસના હૈ…’ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ માટે શ્રેષ્ઠ ગીત છે. આ ગીતને પણ જન્માષ્ટમીના તહેવારે ખૂબ જ યાદ કરવામાં આવે છે.