ભારતમાં લોકપ્રિય બનેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023થી ભારતીય ક્રિકેટ બોર્ડને ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ છે. બોર્ડને IPLમાંથી રૂ. 5120 કરોડની કમાણી થઈ છે, જે 2022ની IPLની સરખામણીએ 116 ટકા વધુ છે. બોર્ડને 2022માં રૂ. 2367 કરોડની આવક થઇ હતી. બોર્ડની IPL 2023ની કુલ આવક રૂ. 11,769 કરોડ થઈ હતી, જે વાર્ષિક ધોરણે 78 ટકા સુધી વધી છે. જોકે બોર્ડના ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
IPL 2022-23ના વાર્ષિક રીપોર્ટ મુજબ ખર્ચમાં 66 ટકા વધારો થયો છે, જેમાં રૂ. 6648 કરોડનો ખર્ચ આયોજનમાં થયો હતો. BCCIને IPLના નવા મીડિયા રાઇટ્સમાંથી સૌથી વધુ આવક થઇ હતી. આ સિવાય સ્પોન્સરશિપથી પણ બોર્ડને વધુ રકમ મળી છે. નવા મીડિયા રાઇટ્સ 2023-27 માટે રૂ 48,390 કરોડના છે. IPL TV અધિકાર 2021માં ડિઝની સ્ટારે રૂ. 23,575 કરોડમાં ખરીદ્યા હતા, જ્યારે ડિજિટલ રાઇટ્સ જિયો સિનેમાને રૂ. 23,758 કરોડ મળ્યા હતા. IPL ટાઇટલ સ્પોન્સર રાઇટ્સ તાતા સન્સને રૂ. 2500 કરોડમાં વેચવામાં આવ્યા હતા. આ ઉપરાંત બોર્ડે એન્જલ વન, સિયેટ, માયસર્કલ11 અને રૂપેને એસોસિયેટ સ્પોન્સરશિપ વેચીને રૂ. 1485 કરોડની કમાણી કરી હતી. ક્રિકેટની દુનિયામાં ભારતીય ક્રિકેટ બોર્ડ સૌથી વધુ કમાણી કરે છે. નાણાકીય વર્ષ 2023માં બોર્ડનું બેન્ક બેલેન્સ રૂ. 16,493.2 કરોડ થઈ ચૂક્યું છે, જે ગત વર્ષે રૂ. 10,991 કરોડ હતું. IPL સીઝન દરમ્યાન બોર્ડે સેન્ટ્રલ પૂલથી ફ્રેન્ચાઇઝીને ગત વર્ષની 2205 કરોડની તુલનામાં બમણા કરતા વધુ રૂ. 4670 કરોડ વહેંચ્યા છે. આ સાથે બોર્ડે મહિલા પ્રીમિયર લીગ (WPL)થી પણ રૂ. 377 કરોડનું સરપ્લસ ભંડોળ મેળવ્યું હતું, જેને 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY