હ્યુસ્ટન નજીક અનાવરણ કરાયેલ ભગવાન હનુમાનની 90-ફૂટ-ઉંચી ભવ્ય કાંસ્ય મૂર્તિ ટેક્સાસમાં નવું સીમાચિહ્ન બની છે. માઇલો દૂરથી દેખાતી આ મૂર્તિ અમેરિકામાં ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે.
આયોજકોએ જણાવ્યું કે આ પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ નામ આપવામાં આવ્યું છે અને તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓમાં સ્થાન ધરાવે છે. હ્યુસ્ટનથી લગભગ 35 કિલોમીટર દૂર સુગર લેન્ડ સ્થિત શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં 15થી 18 ઓગસ્ટ દરમિયાન આયોજિત ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ દરમિયાન ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ હનુમાન મૂર્તિનું અનાવરણ કરાયું હતું. તે ભારત બહારની સૌથી મોટી ભગવાન હનુમાનનું મૂર્તિ છે. સમારોહમાં હેલિકોપ્ટરથી મૂર્તિ પર પુષ્પવર્ષા કરાઇ હતી, પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને હનુમાનજીની મૂર્તિના ગળામાં 72 ફૂટ લાંબી માળા ચઢાવવામાં આવી હતી. આ ભવ્ય સમારંભમાં હજારો ભક્તોએ એક સાથે શ્રી રામ અને હનુમાનના નામના જાપ કર્યાં હતાં.
આયોજકોએ જણાવ્યું હતું કે “આ વિસ્મયકારક પ્રતિમા પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા પરમ પવિત્ર શ્રી ચિન્ના જીયર સ્વામીજીના દૂરંદેશી પ્રયાસોનું પરિણામ છે, જેમણે ઉત્તર અમેરિકા માટે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે આ પ્રોજેક્ટની કલ્પના કરી હતી.”
આ પ્રતિમા માત્ર હનુમાનની અદમ્ય ભાવનાના પ્રતીક તરીકે જ નહીં, પણ અમેરિકાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસામાં એક નવા સીમાચિહ્નરૂપ પણ છે, જે તેની ભવ્યતાના સાક્ષી બનવા આવનાર તમામ લોકો માટે ભક્તિ, શક્તિ અને એકતાના સિદ્ધાંતોને મૂર્તિમંત બનાવે છે