કન્સલ્ટન્સી કંપની બ્રાન્ડ ફાઇનાન્સ, યુકેની વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડની યાદીમાં ગુજરાત સ્થિત અમૂલને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. અમુલે સતત ચોથા વર્ષે વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડનો ખિતાબ પણ જાળવી રાખ્યો છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ફૂડ એન્ડ ડ્રિંક 2024′ શીર્ષક હેઠળના વાર્ષિક અહેવાલમાં વિશ્વની અગ્રણી બ્રાન્ડ કન્સલ્ટન્સી, UK, બ્રાન્ડ ફાઇનાન્સ અનુસાર અમૂલ વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ અને સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.”
આ રિપોર્ટમાં સૌથી મૂલ્યવાન અને મજબૂત ફૂડ, ડેરી અને નોન-આલ્કોહોલિક પીણાંની બ્રાન્ડની યાદી આપવામાં આવી છે. અહેવાલ મુજબ અમૂલ 2023માં બીજા ક્રમેથી વધીને 2024માં વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની છે. અમૂલે બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (BSI)માં 100માંથી 91.0 સ્કોર અને AAA+ રેટિંગ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. રિપોર્ટમાં ટોચની 50 વૈશ્વિક બ્રાન્ડ્સમાં અમૂલ એકમાત્ર ભારતીય બ્રાન્ડ છે.
બ્રાન્ડ અમૂલનું માર્કેટિંગ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે, જે વિશ્વની સૌથી મોટી ખેડૂતોની માલિકીની સહકારી મંડળી છે.
અમૂલના એમડી જયેન મહેતાએ જણાવ્યું હતું કે આ ખરેખર સમગ્ર અમૂલ ટીમ અને અમારા 36 લાખ ખેડૂતો માટે ગર્વની ક્ષણ છે, જેમણે આ બ્રાન્ડના નિર્માણ અને સંવર્ધનમાં યોગદાન આપ્યું છે. અમે હંમેશા માનીએ છીએ કે અમૂલનું ચલણ દૂધ નથી, પરંતુ વિશ્વાસ છે. છેલ્લા 78 વર્ષોમાં ગ્રાહકોની દરેક પેઢી માટે અમૂલ પ્રિય બ્રાન્ડ છે.
અમૂલ વાર્ષિક ધોરણે 11 બિલિયન લિટર દૂધ ખરીદે છે અને તેની કિંમત રૂ.80,000 કરોડ (10 બિલિયન ડોલર) છે, તેની પ્રોડક્ટ્સ એક વર્ષમાં 22 બિલિયન વખત લેવામાં આવે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.