પ્રતિક તસવીર

નોર્થ વેસ્ટ લંડનના હેરોમાં 15 ઓગસ્ટના રોજ બપોરે 12થી 3 દરમિયાન ભારતના સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવા લંડન ત્રિરંગા યાત્રાના નામથી એક કાર અને મોટરસાયકલ રેલીનું આયોજન કરાયું હતું. ત્રિરંગા ગૃપ દ્વારા યોજવામાં આવેલી કાર અને મોટરસાયકલ રેલી હેરો લેઝર સેન્ટરથી શરૂ થઇ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, નોર્થવિક પાર્ક, બરહમ પાર્ક, આલ્પર્ટન, બ્લેકબર્ડ હીલ, વેમ્બલી પાર્ક, વેમ્બલી સ્ટેડીયમ, વેમ્બલી સેન્ટ્રલ, સનાતન મંદિર, ચર્ચ રોડ, કિંગ્સબરી હાઇ રોડ થઇ JFS સ્કૂલ, કિંગ્સબરી ખાતે તેનું સમાપન થયું હતું.

બાઇકરોએ જય હિંદ, ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓ લગાવી ભારતીય ત્રિરંગાને લહેરાવ્યા હતા. બાઇકરોએ હોર્ન મારીને સમગ્ર વિસ્તાર ગજવી નાંખ્યો હતો. સ્થાનિક રહેવાસી આ વિશાળ રેલીને જોઇને અચંબિત થઇ ગયા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો. આ ઉજવણી હેરોના ભારતીય સમુદાય અને તેમના વારસા વચ્ચેના મજબૂત જોડાણને પ્રતિબિંબિત કરે છે, જે બરોમાં જીવંત વાતાવરણ લાવે છે.

આ રેલીના નિમંત્રકોએ જણાવ્યું હતું કે ‘’તિરંગા યાત્રા એ એક પ્રતીકાત્મક પ્રસંગ છે જે આપણા રાષ્ટ્રધ્વજ અને તે જે મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે તેનું સન્માન કરે છે. આપણે આ યાત્રા દ્વારા આપણા દેશ પરત્વેનો આપણો પ્રેમ અને ગર્વ દર્શાવવા માટે ભેગા થયા છીએ. આ યાત્રા તમારી સહભાગિતા, સૌહાર્દ અને દેશભક્તિની ભાવનામાં વધારો કરશે. ચાલો આપણે સમુદાય તરીકે એક થઈએ અને આ યાત્રાને બધા માટે યાદગાર અને અર્થપૂર્ણ અનુભવ બનાવીએ.’’

આ ઉપરાંત હેરો લેઝર સેન્ટરની બાજુમાં બાયરન હોલ ખાતે પણ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાયરન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હેરોના મેયર, કાઉન્સિલર સલીમ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY