પોલેન્ડની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 22 ઓગસ્ટ વોર્સો ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના વિદેશ પ્રધાન સુબ્રહ્મણ્યમ જયશંકર, પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક અને પોલેન્ડના વિદેશ પ્રધાન રાડોસ્લાવ સિકોર્સ્કી ઉપસ્થિત રહ્યાં હતા. .REUTERS/Kacper Pempel

પોલેન્ડની બે દિવસની યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 22 ઓગસ્ટે યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારત નિશ્ચિતપણે માને છે કે યુદ્ધના મેદાનમાં કોઈ સમસ્યા હલ કરી શકાતી નથી તથા ભારત શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સંવાદ અને મુત્સદ્દીગીરીનું સમર્થન કરે છે. પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથેની મુલાકાત બાદ સંયુક્ત નિવેદનમાં મોદીએ આ ટીપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોમાં આજનો દિવસ વિશેષ મહત્વનો છે. આજે 45 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાતે આવ્યા છે.

મોદી અને ટસ્ક વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચાવિચારણા કરાઈ હતી અને દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવાનો નિર્ણય કર્યો હતો.

પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સકીના આમંત્રણ પર ગુરુવારની રાત્રે યુક્રેનની યાત્રા પર જઈ રહેલા મોદીએ કહ્યું કે કોઈપણ સંકટમાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવો એ સમગ્ર માનવતા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. અમે શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સંવાદ અને મુત્સદ્દીગીરીને સમર્થન આપીએ છીએ. આ માટે ભારત, તેના મિત્ર દેશો સાથે, તમામ શક્ય સમર્થન આપવા તૈયાર છે.

મોદીએ ભારત-પોલેન્ડ મિત્રતાને મજબૂત કરવા માટેના અમૂલ્ય પ્રયાસો માટે વડા પ્રધાન ટસ્કનો આભાર માન્યો હતો. તેમણે 2022માં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરવા બદલ પણ તેમનો આભાર પણ માન્યો હતો.

પોલેન્ડની કંપનીઓને ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલમાં જોડાવા આમંત્રણ આપતા મોદીએ જણાવ્યું હતું કે “અમે બંને સંમત છીએ કે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા એ સમયની જરૂરિયાત છે.

ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેન જશે મોદી
વડાપ્રધાન મોદી  વોલોદિમિર ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેનની મુલાકાતે જશે. ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. પોલેન્ડની મુલાકાત પૂર્ણ કર્યા પછી વડાપ્રધાન મોદી ટ્રેન દ્વારા યુક્રેનની રાજધાની કિવ જશે, જેમાં લગભગ 10 કલાકનો સમય લાગશે. આ મુલાકાત ભારત અને યુક્રેન વચ્ચે સતત જોડાણને પ્રોત્સાહન આપશે અને બંને દેશો વચ્ચે મજબૂત અને વધુ ગતિશીલ સંબંધોનો પાયો નાખવામાં મદદ કરશે તેવી શક્યતા છે.

LEAVE A REPLY