બિહારના પટણામાં ભારત બંધના એલાન દરમિયાન દલિતોના દેખાવો (PTI Photo)

અનુસૂચિત જાતિ (એસસી) અને જનજાતિ અનામત (એસટી)માં ક્રીમીલેમર બનાવવા અંગેના તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધમાં વિવિધ દલિત સંગઠનોએ બુધવાર, 21 ઓગસ્ટે આપેલા ભારત બંધના એલાનની ગુજરાતમાં મિશ્ર પ્રતિક્રિયા મળી હતી. છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં આદિવાસી અને દલિત સમુદાયના પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં બંધની સ્પષ્ટપણે અસર જોવા મળી હતી. આ વિસ્તારોના શહેરો અને ગામડાના બજારો બંધ રહ્યાં હતાં.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં દેખાવકારોએ માલગાડીને રોકી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા, પોલીસ ભીડને વિખેરવા સ્થળ પર પહોંચી હતી.પોલીસે ટ્રેનને જવા દેવા માટે દેખાવકારોને સમજાવ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રેન લગભગ દોઢ કલાક અટકી રહ્યાં પછી ભાવનગર તરફ ગઈ હતી.

અરવલ્લી જિલ્લાના ભિલોડા અને શામળાજીમાં દેખાવકારોએ રસ્તા બ્લોક કર્યા હતા. પાટણ અને અરવલી જિલ્લામાં બંધનો અમલ કરવાનો પ્રયાસ કરતી વખતે ઘણાની અટકાયત કરાઈ હતી. દેખાવકારોએ રસ્તાઓ પર ઉતર્યા ત્યારે ભિલોડા અને શામળાજીના મુખ્ય બજારોમાં દુકાનોના શટર બંધ થઈ ગયા હતા. તેવી જ રીતે, સાબરકાંઠા જિલ્લાના ઇડર અને વિજયનગર શહેરમાં બંધના એલાનની અસર જોવા મળી હતી જ્યાં બજારો, શાળાઓ અને કોલેજો બંધ રહી હતી, સત્તાવાળાઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ તૈનાતીના આદેશ આપ્યા હતાં.અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના દેખાવકારોએ પણ રેલીઓ યોજી હતી.

સુરત જિલ્લાના ઉમરપાડામાં બપોર બાદ દુકાનો બંધ રહેતાં નિર્જન વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લાના કોસંબા જેવા સ્થળોએ બંધનું એલાન આપનાર સંગઠનોના પ્રતિનિધિઓએ દુકાનો બંધ કરાવી હતી. સૂત્રોચ્ચાર કરતા, SC/ST સંગઠનોએ વડોદરામાં વિરોધ રેલીઓ કાઢી હતી. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં, દલિત સમુદાયના સભ્યોએ ધરણા કર્યા અને રસ્તા બ્લોક કર્યા હતા.

LEAVE A REPLY