REUTERS/Francis Mascarenhas/File Photo
ભારતીના સૌથી મૂલ્યવાન ફેમિલી બિઝનેસોની યાદીમાં અંબાણી, બજાજ અને બિરલા પરિવાર અનુક્રમે ટોચના ત્રણ સ્થાન રહ્યાં છે. આ ત્રણેય પરિવારોના બિઝનેસનું કુલ મૂલ્ય આશરે રૂ.60 લાખ કરોડ (આશરે 460 અબજ ડોલર) થાય છે, જે સિંગાપોરની કુલ જીડીપી જેટલું થાય છે. ભારતના સૌથી પ્રભાવશાળી ફેમિલી બિઝનેસના ગુરુવારે જારી કરાયેલા એક રીપોર્ટમાં ગૌતમ અદાણીની વડપણ હેઠળના અદાણીનો ગ્રુપનો સમાવેશ કરાયો ન હતો.
‘2024 બાર્કલેઝ પ્રાઈવેટ ક્લાયન્ટ્સ હુરુન ઈન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ’ રિપોર્ટ અનુસાર અંબાણી પરિવાર નિર્વિવાદ રીતે મોખરાના સ્થાન છે, જ્યારે બજાજ અને બિરલા પરિવારો બીજા અને ત્રીજા ક્રમે છે. અંબાણી, બજાજ અને બિરલા એમ ટોચના ત્રણ પરિવારો પાસે કુલ $460 બિલિયનની મિલકત છે, જે સિંગાપોરના કુલ જીડીપી જેટલી છે.
રૂ. 2,575,100 કરોડના વેલ્યુએશન સાથે અંબાણી પરિવારની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચનું સ્થાન ધરાવે છે. ઊર્જા અને ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સના વર્ચસ્વ ધરાવે છે.
ઓટો અને ઓટોકમ્પોનન્ટ બિઝનેસ માટે જાણીતો બજાજ પરિવાર રૂ.712,700 કરોડના વેલ્યુએશન સાથે બીજા સ્થાને છે.કુમાર મંગલમ બિરલાની આગેવાની હેઠળનું આદિત્ય બિરલા ગ્રૂપ રૂ.538,500 કરોડના મૂલ્ય સાથે ત્રીજા સ્થાને છે. બિરલા ગ્રૂપ મેટલ્સ અને માઇનિંગ સેક્ટરમાં મુખ્ય ખેલાડી છે.
ચોથા સ્થાન રહેલા સજ્જન જિંદાલના વડપણ હેઠળના જિંદાલ પરિવારના બિઝનેસનું મૂલ્ય રૂ.471,000 કરોડ છે. તેમનો બિઝનેસ ખાસ કરીને મેટલ અને માઇનિંગ ક્ષેત્રમાં છે. નાદર પરિવાર રૂ.430,600 કરોડના મૂલ્ય સાથે પાંચમા ક્રમે છે. રોશની નાદર મલ્હોત્રાની આગેવાની હેઠળ આ પરિવાર સોફ્ટવેર અને સર્વિસમાં અગ્રણી સ્થાન ધરાવે છે. 1991માં સ્થપાયેલી કંપનીનું મુખ્યમથક નોઈડામાં છે. નાદાર પરિવારે બજારની મજબૂત હાજરી જાળવી રાખીને ભારતના ટેક્નોલોજી ક્ષેત્રને નોંધપાત્ર રીતે અસર કરી છે.
મહિન્દ્રા પરિવાર રૂ.345,200 કરોડ સાથે છઠ્ઠા ક્રમે રહ્યો છે. ત્રીજા પેઢીના આનંદ મહિન્દ્રાના વડપણ હેઠળનું આ ગ્રુપ ઓટો, એરોસ્પેસ, એગ્રીબિઝનેસ, ફાઇનાન્સ અને આઇટીમાં નોંધપાત્ર વૃદ્ધિ અને ઇનોવેશન માટે જાણીતું છે.
યાદીમાં અન્ય અગ્રણી નામોમાં દાની, ચોક્સી અને વકીલ પરિવાર (એશિયન પેઇન્ટ્સ), પ્રેમજી પરિવાર (વિપ્રો), રાજીવ સિંહ પરિવાર (DLF) અને મુરુગપ્પા પરિવાર (ટયુબ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
જોકે આ યાદીમાં ગૌતમ અદાણીના વડપણ હેઠળના ફેમિલી બિઝનેસનો સમાવેશ કરાયો ન હતો, કારણ કે તે પ્રથમ પેઢીનો ફેમિલી બિઝનેસ છે.

LEAVE A REPLY