રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના નવા વૈશ્વિક પ્રયાસોની પૃષ્ઠભૂમિમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે યુક્રેનની રાજધાની કિવની મુલાકાત લઇને પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મંત્રણા કરશે. મોદી યુક્રેન પહેલા પોલેન્ડની મુલાકાત લેશે.
મોદીની મુલાકાત પહેલા ભારતના વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) તન્મય લાલે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ભારત યુક્રેનમાં સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવામાં યોગદાન આપવા તૈયાર છે. ભારત હંમેશા યુક્રેનમાં સંઘર્ષને ઉકેલવા માટે મુત્સદ્દીગીરી અને વાતચીતની હિમાયત કરતું આવ્યું છે.
મોદીની તાજેતરની મોસ્કો મુલાકાતના મુદ્દે પશ્ચિમી વિશ્વમાં આક્રોશ ફેલાયો હતો ત્યારે હવે મોદીની યુક્રેન મુલાકાત પર ભારતીય અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે અંતિમ તબક્કાની ચર્ચા થઈ છે. કિવની તેમની સૂચિત મુલાકાતને રશિયા-યુક્રેન સંઘર્ષ પર નવી દિલ્હીના સંતુલિત અભિગમ તરીકે પણ જોવામાં આવે છે. આ મુલાકાત અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય થયો નથી કારણ કે “યુદ્ધ ઝોન”ની મુસાફરી માટે લોજિસ્ટિક્સના સંદર્ભમાં મોટા પાયે તૈયારીઓની જરૂર પડશે.
વિદેશ પ્રધાન એસ જયશંકરે 19 જુલાઈના રોજ તેમના યુક્રેનિયન સમકક્ષ દિમિત્રો કુલેબા સાથે ફોન પર વડાપ્રધાનની મુલાકાત અંગે ચર્ચા કરી હતી. નામ ન આપવાની શરતે એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, મોદીની મુલાકાતનો મુખ્ય એજન્ડા રશિયા-યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવાના માર્ગો શોધવાનો હશે.