અમેરિકા જવાની લાલચમાં નકલી પાસપોર્ટનો ઉપયોગ કરનાર ત્રણ ગુજરાતીઓ તાન્ઝાનિયામાં પકડાયા હતા. ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને અમેરિકા પહોંચવાનો પ્રયાસ કરતી વખતે શુક્રવારે બે મહિલા, એક વરિષ્ઠ નાગરિક અને એક યુવક સહિત ચાર મુસાફરોને તાન્ઝાનિયાથી મુંબઈ ડીપોર્ટ કરાયા પછી તેમની પોલીસે ધરપકડ કરી હતી. આ ચારમાંથી બે મહિલા તથા એક એક યુવક ઉત્તર ગુજરાતના વતની છે જ્યારે તેમનો હેન્ડલર મુંબઈનો રહેવાસી છે.
મુંબઇની સહાર પોલીસ દ્વારા ઝડપાયેલાઓમાં ૩૨ વર્ષના ગીતાબેન માનસિંગ ચૌધરી, ૩૭ વર્ષીય ભારતીબેન જીવણભાઈ ચૌધરી તથા ૨૦ વર્ષના ગોવિંદભાઈ ચૌધરી ઉપરાંત તેમના ૭૫ વર્ષીય હેન્ડલર રમેશ ભજન ઠાકુરનો સમાવેશ થાય છે.
તાંઝાનિયામાં આ લોકોની પૂછપરછ અને તપાસ દરમિયાન ત્યાંના સત્તાધિશોને જણાયું હતું કે આ ચારમાંથી ત્રણ વ્યક્તિ પાસે બે-બે પાસપોર્ટ હતા. ત્યાર પછી આ ચારેય વ્યક્તિનો તાંઝાનિયાથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો. આ લોકોને મુંબઈ મોકલાવ્યા પછી એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું હતું કે અંશ, ભારતીબેન અને ગીતાબેને તાંઝાનિયા જવા માટે તેમના અસલી પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. જોકે તાંઝાનિયા પહોંચ્યા પછી તેમણે નકલી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરી અમેરિકા જવાનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણેય કાયમ માટે અમેરિકામાં સ્થાયી થવા ઇચ્છતા હતા. તેમનો સંપર્ક પુષ્પાબેન વ્યાસ નામના એજન્ટ સાથે થયો હતો. પુષ્પાબેને તેમને તાન્ઝાનિયા થઈને અમેરિકા આવવા જણાવ્યું હતું. પુષ્પાબેને જ હેન્ડલર રમેશ ઠાકુરને તેમની સાથે આવવા કહ્યું હતું. જોકે, તેમણે તાન્ઝાનિયા પહોંચ્યા પછી નકલી પાસપોર્ટનો ઉપયોગ શા માટે કર્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ ન હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments