કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રવિવારે ‘નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદના ૯૦, મોરબીના ૩૬, સુરેન્દ્રનગરના ૨૦, પાટણના ૧૮, મહેસાણાના ૧૦, રાજકોટના ૬, કચ્છના ૩, વડોદરાના ૩, આણંદના ૨, એમ કુલ ૧૮૮ શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. આ પ્રસંગે અમિતભાઈ શાહે કહ્યું કે, હવે આ તમામ લોકો ભારતના નાગરિક ગણાશે, ગર્વભેર જીવન જીવી શકશે. આ ૧૮૮ નાગરિકો અન્ય શરણાર્થી નાગરિકો માટે ઉદાહરણ સમાન છે. આગામી સમયમાં તેમનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે. ભૂતકાળમાં થયેલા અન્યાયનો ઉલ્લેખ કરતા અમિતભાઈ શાહે જણાવ્યું કે, ૧૯૪૭થી ૨૦૧૪ સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી પ્રતાડિત થનાર નાગરિકોને અત્યાર સુધી નાગરિકતા ન આપીને દેશમાં પણ પ્રતાડિત કરાયા. પરંતુ નરેન્દ્રભાઇએ વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ શરણાર્થી નાગરિકોને ન્યાય અને નાગરિકતા બંને મળ્યા છે. ૨૦૧૯માં નાગરિકતા સંશોધન અધિનિયમ સંસદમાંથી પસાર થયા બાદ કાયદો બન્યો. જે કાયદા હેઠળ આજે ૧૮૮ નાગરિકોને પ્રમાણપત્ર પણ એનાયત થઈ રહ્યા છે.

LEAVE A REPLY