અમેરિકામાં પ્રેસિડેન્ટ પદની ચૂંટણી રસપ્રદ બની રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સામે ડીબેટમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેમના રાજકીય હુમલાઓને વધુ આક્રમક બનાવવા માટે ભૂતપૂર્વ ડેમોક્રેટિક કોંગ્રેસવૂમન અને હિન્દુ-અમેરિકન નેતા તુલસી ગબ્બાર્ડને મેદાનમાં ઉતાર્યા છે, તેવું ન્યૂયોર્ક ટાઈમ્સના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. ગબ્બાર્ડ આ ડીબેટ અંગેની પ્રેક્ટિસ માટે ટ્રમ્પની અંગત ક્લબ અને માર-એ-લાગોના ઘરે ગયા હતા.
ભારતીય મૂળના નેતા હેરીસ અને ટ્રમ્પ 10 સપ્ટેમ્બરે એબીસી ન્યૂઝની ડીબેટમાં એકબીજાનો સામનો કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગબ્બાર્ડે 2020માં પ્રેસિડેન્ટ પદની ચૂંટણી પછી ડેમોક્રેટિક પાર્ટીને છોડી દીધી હતી. તેમના ટ્રમ્પ સાથેના સંબંધો મિત્રતાભર્યા છે અને કેટલાક સમયથી માટે તેમના નજીકના સાથી હોવાનું અનુમાન પણ કરવામાં આવ્યું હતું. 2019ની ડેમોક્રેટિક પ્રેસિડેન્ટ પદની પ્રાથમિક ડીબેટમાં ગબ્બાર્ડના પ્રદર્શનના કારણે ટ્રમ્પની ડીબેટની તૈયારીમાં તેઓ સામેલ થશે. કારણ કે, ગબ્બાર્ડે એ વખતે હેરિસને મંચ પર યાદગાર મ્હાત આપી હતી. ટ્રમ્પના પ્રવક્તા કેરોલિન લેવિટ્ટે ઈમેઇલમાં તુલસી ગબ્બાર્ડના સામેલ થવાની પુષ્ટિ કરી છે.
લેવિટ્ટ વધુમાં જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટે “રાજકીય ઇતિહાસમાં શ્રેષ્ઠ ડીબેટકર્તાઓમાં સ્થાન મેળવ્યું છે. કારણ કે જો બાઇડેન પણ તેમની સામે નબળા પૂરવાર થયા છે. તેમને પરંપરાગત ડીબેટની તૈયારીની જરૂર નથી પરંતુ તુલસી ગબ્બાર્ડ જેવા સન્માનીય નીતિ સલાહકારો અને અસરકારક વાત કરનારાઓને મળવાનું જાળવી રાખશે, જેમણે અગાઉ પણ ડીબેટમાં કમલા હેરિસને સફળતાપૂર્વક હરાવ્યા હતા.”

LEAVE A REPLY