પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિલોગ્રામની કુસ્તીની ગોલ્ડ મેડલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય જાહેર કરાયેલા ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ શનિવારે સવારે ભારતમાં આગમન થયું હતું. દિલ્હી એરપોર્ટથી બહાર આવ્યા બાદ ત્યાં આવેલા ચાહકોએ વિનેશનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યારે મેચ પહેલા વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવ્યા ત્યારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ બાબતના સંદર્ભમાં વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસને પણ સંયુક્ત ધોરણે સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી, પરંતુ તેની અરજી 14 ઓગસ્ટની સાંજે CAS દ્વારા ફગાવવામાં આવી હતી.
વિનેશ ફોગાટ જ્યારે દિલ્હી પરત આવ્યા ત્યારે પોતાનું સ્વાગત જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા, જ્યારે તેણે કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓનો આભાર માનું છું અને મને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. વિનેશનું દેશમાં એક ચેમ્પિયનની જેમ સ્વાગત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ વિનેશે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
એરપોર્ટની બહાર વિનેશનું સ્વાગત કરવા માટે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને અન્ય ઘણા કુસ્તીબાજો પણ ત્યાં હાજર હતા. આ સિવાય વિનેશના પરિવારના સભ્યો પણ હાજર હતા, જેમાં તેના ભાઈ હરિન્દર પુનિયાનો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY