ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર સતત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો અને તીર્થસ્થાનોનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે, તેમાં ધાર્મિક પ્રવાસનનો ખૂબ મોટો ફાળો છે, અને તે જોતાં રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના સોમનાથ, અંબાજી, દ્વારકા વગેરે જેવા મોટા અને મુખ્ય યાત્રાધામોના વિકાસ ઉપરાંત, રાજ્ય સરકાર નાના-નાના યાત્રાધામોનો પણ જબરદસ્ત વિકાસ કરી રહી છે. આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર. આર. રાવલ જણાવે છે કે રાજ્યના તમામ યાત્રાધામોનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં માત્ર મંદિરોનો જ વિકાસ નહીં, પરંતુ મંદિર પરિસરની સાથે-સાથે સમગ્ર યાત્રાધામનું માસ્ટર પ્લાનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી આગામી 20-25 વર્ષોના વિઝન પ્રમાણે આવનાર પ્રવાસીઓની ગણતરીને ધ્યાનમાં લઈને યાત્રાધામોના વિકાસનો નકશો બનાવી શકાય. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા એ રીતનો વિકાસ કરવામાં આવી રહ્યો છે કે જેથી મંદિર કે યાત્રાધામ માત્ર વરિષ્ઠ નાગરિકો માટે જ હોય એવું ન લાગે, પણ તમામ વયજૂથના લોકોને યાત્રાધામ પોતાનું લાગે.
રાજ્ય સરકાર દ્વારા હાલમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ધાર્મિક સ્થળોએ થઈ રહેલા વિકાસકાર્યોની વિગતો આપતા બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું કે રાજ્યના મોટા યાત્રાધામોની ફરતે આવેલા નાના યાત્રાધામો ખાતે કુલ ₹857.14 કરોડના ખર્ચે 163 વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી ₹655 કરોડથી વધુના ખર્ચે 76 વિકાસકાર્યો વિવિધ તબક્કામાં પ્રગતિ હેઠળ છે. ઉપરાંત, ₹70.19 કરોડના ખર્ચે 57 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને ₹52.08 કરોડના 24 કામો આયોજનના તબક્કામાં છે. ₹79.10 કરોડના 6 કામોનો ચાલુ અંદાજપત્રમાં નવા કામ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.