ન્યૂઝીલેન્ડ સરકારના નવ સભ્યોના ડેલિગેશને તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. આ ડેલિગેશનમાં ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને વાણિજ્ય પ્રધાન તથા વિદેશી બાબતોનાં એસોસિયેટ પ્રધાન ટોડ મેકક્લે તેમજ ભારત સ્થિત ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર પેટ્રિક રાટાનાં નેતૃત્વમાં નવ સભ્યોના પ્રતિનિધિ મંડળે ગુજરાત સાથે વ્યૂહાત્મક પાર્ટનરશીપ માટે મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં તેમણે ગુજરાત સાથે કૃષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રીન્યુએબલ એનર્જી, પ્રવાસન ક્ષેત્રે સહકાર અને બંને દેશોના લોકોમાં પરસ્પર લાંબાગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે સાંસ્કૃતિક સંબંધો આગળ વધે તે માટે ઉત્સુકતા દર્શાવી હતી.

મુખ્ય પ્રધાને ગુજરાતમાં ગાય આધારિત ખેતીથી ખેડૂતોની આવક બમણી કરવા માટેનું તેમના આયોજનની માહિતી આપી હતી. વધુમાં, ગુજરાત અને ન્યૂઝીલેન્ડને કૃષિ-સહકાર અને ડેરી ક્ષેત્રે લાભદાયી એવા ‘ફાર્મર એક્સચેંજ પ્રોગ્રામ’ શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. ન્યૂઝીલેન્ડ ડેરી ટેકનોલૉજીમાં અગ્રણી દેશ છે. ડેરી વિકાસમાં આ ટેકનોલૉજીનો લાભ ગુજરાતને પણ મળે તે માટે મુખ્ય પ્રધાને કૃષિ, ડેરી ઉદ્યોગ, પશુપાલન અને સહકારી ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની નવીનતમ વિચારસરણીને પોષવા માટે સમયાંતરે બેઠકો અને વર્કશોપ યોજાય તેવી ઈચ્છા પણ ડેલીગેશન સમક્ષ વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત તેમણે ન્યુઝીલેન્ડમાં વસતા મહેનતુ ગુજરાતી સમુદાય અંગે પણ ચર્ચા કરી હતી. તેમજ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બને માટે નિયમિત બેઠકો ગોઠવવાનો અભિગમ વિકસાવવા પર પણ ભાર મૂક્યો હતો.

LEAVE A REPLY