પેન્સિલવેનિયામાં પિટ્સબર્ગના મોનરોવિલે ખાતેના ઐતિહાસિક હિન્દુ-જૈન મંદિરની 40મી એનિવર્સરીની ભવ્ય ઉજવણી તાજેતરમાં કરવામાં આવી હતી. આ ઘટના અમેરિકામાં ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક વારસાના સ્મારક પ્રતીક તરીકે તેની ભૂમિકાની પુષ્ટિ કરે છે. 1984માં ઋષિકેશના પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી દ્વારા સ્થપાયેલું આ મંદિર અમેરિકામાં સૌથી પ્રાચીન હિન્દુ મંદિરોમાં સ્થાન તો ધરાવે જ છે, તે વિશ્વભરમાં એવું અનોખું પ્રથમ મંદિર છે જ્યાં હિન્દુઓ અને જૈનો એકસાથે પૂજા કરે છે.
આ મંદિર વૈશ્વિક સ્તરે એવા પ્રથમ મંદિર તરીકે વધુ ઓળખાય છે જ્યાં જૈન ધર્મના બંને સંપ્રદાયો-શ્વેતાંબર અને દિગંબર ભક્તિ-પૂજામાં સાથે સામેલ થાય છે. હિન્દુ-જૈન મંદિરના નિર્માણનો પ્રારંભ 1980માં થયો હતો, અને ચાર વર્ષના અથાક પ્રયાસો અને નિર્માણ પછી, તેનું સત્તાવાર લોકાર્પણ 1984માં થયું હતું. આ ટેમ્પલની પુનઃપ્રાણપ્રતિષ્ઠા વેળાએ સમગ્ર ગ્રેટર પિટ્સબર્ગ સમુદાય એકત્ર થયો હોવાથી આ ઉજવણી ઐતિહાસિક બની હતી.
આ પ્રસંગની શરૂઆત શુભ “શિખર પૂજા” સાથે થઈ હતી, આ પવિત્ર વિધિમાં પૂજ્ય સ્વામીજી અને સાધ્વી ભગવતીજીએ ક્રેન્સ દ્વારા પાંચ ગુંબજની ઉંચાઈએ, મંદિરના શિખરો પર પવિત્ર જળ અર્પણ કર્યું હતું. આ વિધિમાં મંદિરની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો, ટ્રસ્ટી મંડળના સભ્યો પણ જોડાયા હતા.
આ મહોત્સવ મંદિરના નવીનીકરણ અને તેના આધ્યાત્મિક હેતુ પ્રત્યેના સતત સમર્પણનું પ્રતીક છે. શિખર પૂજા પછી, પૂજ્ય સ્વામીજી, સાધ્વીજી અને મંદિરના પૂજારીઓ દ્વારા હવન-યજ્ઞ વિધિ કરાઈ હતી, જેમાં સમગ્ર વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉત્થાન, એકતા અને સંવાદિતા માટે આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. પૂજ્ય સ્વામીજી અને સાધ્વી ભગવતીજીએ પ્રેરણાદાયી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

LEAVE A REPLY