ભારતમાં સામાન્ય લોકોની જેમ વિવિધ તહેવારોની ઉજવણી સેલિબ્રિટીઝ દ્વારા પણ કરવામાં આવતી હોય છે. બોલીવૂડની સેલીબ્રિટિઝ દરેક પર્વની ઉજવણી પરંપરા મુજબ કરે છે. ભાઇ-બહેનના સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધન જેવા તહેવારની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવે છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે અહીં બોલીવૂડના એવા ભાઇ-બહેનો અંગે માહિતી રજૂ કરવામાં આવી છે જેમના વચ્ચે એક પ્રકારનો ગાઢ નાતો છે, જે એક-બીજાના જીવનમાં ફ્રેંડ-ફિલોસોફર અને ગાઇડની ભૂમિકા ભજવી રહ્યા છે.
અભિષેક બચ્ચન-શ્વેતા નંદા
જયા અને અમિતાભ બચ્ચનના સંતાનોમાં અભિષેક અને શ્વેતા નંદાનો સમાવેશ થાય છે. અભિષેક બચ્ચન બોલીવૂડમાં સક્રિય છે પણ શ્વેતાની કારકિર્દી અલગ છે. તે મોડેલિંગ અને જાહેરાતોમાં જોવા મળે છે. આ ભાઇ બહેન વચ્ચેનો સંબંધ વિશેષ છે. અભિષેક અને શ્વેતા વચ્ચેનો પ્રેમ અનેકવાર જાહેર કાર્યક્રમ અને ટીવી શોમાં જોવા મળ્યો છે. બંને વિશેષ પ્રસંગોએ પરિવાર સાથે જોવા મળે છે. શ્વેતા ઘણીવાર સોશિયલ મીડિયામાં તેના ભાઈ સાથેની તસવીરો પોસ્ટ કરે છે.
સૈફ-સોહા અલી ખાન
ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ મન્સુર અલી ખાન પટૌડી અને અભિનેત્રી શર્મિલા ટાગોરના સંતાનોમાં સૈફ અને સોહા અલી ખાનનો સમાવેશ થાય છે. સૈફ અભિનય અને ફિલ્મ નિર્માણમાં સક્રિય છે. જ્યારે સોહા અભિનયની સાથે અને ફિટનેસ ક્ષેત્રમાં કાર્યરત છે. આ બંને ભાઇ-બહેન વચ્ચેનું બોન્ડિંગ પણ જાણીતું છે.
ફરહાન-ઝોયા અખ્તર
બોલીવૂડના જાણીતા ગીતકાર, કવિ અને લેખક જાવેદ અખ્તર તેમ જ પટકથા લેખિકા હની ઈરાનીના સંતાનો ફરહાન અને ઝોયા પણ બોલીવૂડમાં જાણીતા ભાઈ-બહેન છે. ફરહાને તેની ફિલ્મી કારકિર્દી દિગ્દર્શક તરીકે શરૂ કરી હતી અને પછી પોતાને એક પ્રતિભાશાળી અભિનેતા તરીકે પણ સ્થાપિત કર્યો છે. બીજી તરફ ઝોયા પણ દિગ્દર્શન કરે છે. ફરહાને 2008માં ‘દિલ ચાહતા હૈ’થી દિગ્દર્શક તરીકે તેમજ ‘રોક ઓન’માં અભિનેતા તરીકે પદાર્પણ કર્યું હતું, તો ઝોયાએ 2009માં ‘લક બાય ચાન્સ’થી દિગ્દર્શક તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. આ ઉપરાંત તેણે ‘દિલ ચાહતા હૈ ‘અને ‘લક્ષ્ય’માં તેના ભાઈ સાથે પણ કામ કર્યું હતું.
સોનમ-હર્ષવર્ધન કપૂર
પીઢ અભિનેતા અનિલ કપૂરના સંતાનો સોનમ અને હર્ષવર્ધનની જોડી બોલીવૂડની સૌથી ફેશનેબલ ભાઈ-બહેન તરીકે જાણીતી છે. સ્ટાઈલ અને ફેશનની વાત આવે ત્યારે આ બંને ભાઈ-બહેન પોતાની પ્રતિભા દર્શાવે છે. આ બંને ભાઇ-બહેનોએ તેમની ટૂંકી કારકિર્દીમાં તેમના અભિનય દ્વારા વિવેચકોની પ્રશંસા મેળવી છે અને ભવિષ્ય માટે પણ તેમની પાસે મોટી યોજનાઓ છે. સોનમ અને હર્ષ બંનેનું બોન્ડિંગ ગાઢ છે.
ટાઈગર-કૃષ્ણા શ્રોફ
યુવા દિલોની ધડકન સમાન-હાર્ટથ્રોબ ટાઇગર શ્રોફ અને તેની બહેન કૃષ્ણા શ્રોફ બોલીવૂડમાં ખૂબ જાણીતા છે. તે બંને પીઢ અભિનેતા જેકી શ્રોફના સંતાનો છે. ‘હીરોપંતી’થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર ટાઈગર પોતાની ફિટનેસ માટે પણ તેના ચાહકોમાં જાણીતો છે. તેની બહેન કૃષ્ણાનો પણ એક અલગ ચાહક વર્ગ છે, તે તેની સુંદરતા માટે પણ જાણીતી છે. ભાઈ-બહેનની આ જોડી ફિટનેસ માટે કાયમ ચર્ચામાં રહે છે. બંને જણા સોશિયલ મીડિયા પર પણ ઘણા સક્રિય છે.
રિદ્ધિમા-રણબીર કપૂર
રિશિ કપૂર અને નીતુ સિંઘના સંતાનો રણબીર અને રિદ્ધિમા કપૂર સાહનીનું નામ પણ જાણીતું છે. એક તરફ બોલીવૂડનો ચોકલેટી બોય રણબીર પોતાના અભિનય માટે જાણીતો છે, તો તેની બહેન રિદ્ધિમા યોગ અને ફિટનેસ માટે ઓળખાય છે. બીજી તરફ રણબીર સોશિયલ મીડિયા પર નિષ્ક્રિય છે તો બહેન રિદ્ધિમા પોતાના ભાઈ વિશે સોશિયલ મીડિયા પર વાતો પોસ્ટ કરતી હોય છે. આમ તેમની વચ્ચે અનોખો સંબંધ છે. રિશિ કપૂરના અવસાન પછી તે બંને ભાઈ-બહેન એકબીજાના આધાર બની ગયા છે.
અર્જુન કપૂર, અંશુલા, જહાન્વી અને ખુશાલી
અર્જુન અને અંશુલા, બોની કપૂર અને તેની પ્રથમ પત્ની મોના કપૂરના સંતાનો છે. આ બંને ભાઈ-બહેન વચ્ચેનો વ્યવહાર ખાસ મિત્રો જેવો છે. માતા મોના કપૂરના અવસાન પછી બંને એકબીજા માટે આધાર સ્તંભ બન્યા છે અને તેમની વચ્ચેનું જોડાણ ગાઢ છે. એવી જ રીતે તેમની સાવકી બહેનો અને શ્રીદેવીની પુત્રીઓ જહાન્વી અને ખુશાલી સાથે પણ તેમનો સંબંધ સ્નેહભર્યો રહ્યો છે. જોકે, અર્જુન તેમના અંગત જીવનમાં દખલ દેતો નથી, પણ તેમની વચ્ચે પરસ્પર આદર અને પ્રેમ છે. આ ઉપરાંત મોટાભાઈ તરીકે તે બંને બહેનો સાથે મસ્તી કરતો રહે છે. એકવાર અર્જુને કબૂલ્યું હતું કે, જહાન્વી અને ખુશાલી સાથેના સંબંધને કારણે જે તે પિતા બોની કપૂર સાથે સંબંધને સુધારી શક્યો છે.
સારા-ઈબ્રાહિમ અલી ખાન
એક જમાનાની પીઢ અભિનેત્રી અમૃતા સિંઘ અને સૈફ અલી ખાનના સંતાનોમાં સારા અને ઇબ્રાહિમનો સમાવેશ થાય છે. આ બંને સંતાનો તેના પિતાથી અલગ રહેતા હોવા છતાં તેમનું પારિવારિક બોન્ડિંગ ખૂબ જ ગાઢ છે. સારાએ 2018માં કેદારનાથ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. તેણે માતા અમૃતા સિંઘની જેમ સારી લોકપ્રિયતા પણ મેળવી છે. બીજી તરફ 21 વર્ષના ઈબ્રાહિમને તેના પિતાની કોપી માનવામાં આવે છે. સારા અને ઈબ્રાહિમ બંને મસ્તીખોર છે અને સોશિયલ મીડિયા પર સક્રિય છે. તેઓ તેમની સાવકી માતા કરીના કપૂર સાથે સારો સંબંધ રાખે છે. બંને ભાઇ-બહેન એકબીજાના મજબૂત સમર્થક છે. સારા અને ઈબ્રાહિમની ‘નોક નોક’ સિરિઝ ઘણી લોકપ્રિય થઈ છે.