સલમાન ખાન અને માધુરી દીક્ષિત અભિનિત ખૂબ જ લોકપ્રિય ફિલ્મે તાજેતરમાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન સૂરજ બડજાત્યાએ કર્યું હતું. આ એવી પ્રથમ પારિવારિક ફિલ્મ હતી જેણે ભારતીય સિનેમાના ઈતિહાસમાં રૂ. 100 કરોડનો બિઝનેસ કર્યો હતો.
સલમાન ખાને રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ મૈંને પ્યાર કિયાથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ 1989માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હિટ થતાં જ સલમાન ખાન બોલીવૂડમાં હીરો તરીકે ચમકી ગયો હતો. ત્યારપછી સૂરજ બડજાત્યાએ તેને હમ આપકે હૈ કૌનમાં તક આપી હતી. આ ફિલ્મમાં તેની સામે શ્રીદેવીને નિશાના રોલ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયના અભાવે આ ફિલ્મ કરી શકી નહોતી.
પછી તે ભૂમિકા માટે માધુરી દીક્ષિતની પસંદગી કરવામાં આવી હતી. કહેવાય છે કે, માધુરીએ આ ફિલ્મ માટે 2 કરોડ 75 લાખની ફી લઇને આશ્ચર્ય ફેલાવ્યું હતું. પાંચ વર્ષ અગાઉ ફિલ્મની 25મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન સૂરજ બડજાત્યાએ જણાવ્યું હતું કે આખા વર્ષની ટિકિટો ફિલ્મની એડવાન્સ બુકિંગમાં વેચાઈ હતી અને ચાલુ બુકિંગ વિન્ડો આખા વર્ષ માટે બંધ રાખવામાં આવી હતી. તેમણે ટિકિટ બ્લેક કરનાર વ્યક્તિની કહાની પણ જણાવી હતી. તેમણે કહ્યું હતું કે ફિલ્મને લઈને ટિકિટ માટે ઘણી સ્પર્ધા હતી. આવી સ્થિતિમાં ટિકિટ બ્લેક કરનાર વ્યક્તિએ તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને તેણે ટિકિટ બ્લેક કરીને તેમાંથી બે ફ્લેટ ખરીદ્યા હતા.