સંત, શૂરા અને સાવજની ભૂમિ સૌરાષ્ટ્રમાં સાસણ-ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટરમાં 10 ઓગસ્ટ શનિવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્ય પ્રધાને જણાવ્યું કે, પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. ગુજરાતના ગૌરવ એવા વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી છે. દર વર્ષે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી એ ફક્ત ઉજવણી ન બની રહેતાં, પ્રાણીમાત્ર પ્રત્યેની અનુકંપા બને અને પ્રાણીમાત્રનું રક્ષણ થાય તેવો ભાવ જનજનમાં જાગે એ જ તેની સાચી ઉજવણી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેમ આપણે જીવીએ છીએ તેમ પ્રાણીઓ કેવી રીતે કુદરતી રીતે શાંતિથી જીવી શકે, ઉછરી શકે અને મુક્તપણે વિહરી શકે તેવો આપણો ધ્યેય હોવો જોઈએ. ગીરમાં વસતા માલધારીઓ અને જંગલ તથા તેની આસપાસમાં વસતા લોકોએ પરસ્પરના સહઅસ્તિત્વથી વર્ષોથી ગરવા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું જતન અને સંરક્ષણ કર્યું છે, જેના કારણે જ આજે પ્રતિવર્ષ સિંહોની વસતી વધી છે.

વન અને પર્યાવરણ પ્રધાન મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ગીર એ ગુજરાતના કાઠિયાવાડનું સાંસ્કૃતિક અને ધાર્મિક આસ્થાકેન્દ્ર બન્યું છે. વનવિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી એશિયાઈ સિંહોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થયો છે. વર્ષ ૨૦૨૦ની વસ્તી ગણતરી અનુસાર ગીરમાં ૬૭૪ જેટલા સિંહ નોંધાયા છે. સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે ઘણી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સિંહના રહેઠાણ, ખોરાક, સંવર્ધન, રિહેબિલિટીશન, સંશોધન, પ્રાકૃતિક શિબિરોનું આયોજન સહિત ઈકોક્લબ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સિંહનું કુદરતી રીતે જ સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટેના પ્રયાસો સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓ સાથે કરવામાં આવી રહ્યાં છે.’

LEAVE A REPLY