ભારતમાં અત્યારે એન્ફોર્સમેન્ટ ડારેક્ટોરેટ (ED)નું નામ ખૂબ ચર્ચામાં છે. સરકારનો આ વિભાગ કેટલાક ગુનાઓમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિતના ઉચ્ચ કક્ષાના નેતાઓની ધરપકડ કરી રહ્યો છે. હવે આ વિભાગના એક અધિકારી મોટી રકમની લાંચ લેતા પકડાયા છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તાજેતરમાં નવી દિલ્હીમાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રૂ. 20 લાખની લાંચ લેવાના આરોપમાં ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલા અધિકારીની ઓળખ સંદીપ સિંહ યાદવ તરીકે થઈ છે. સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે આ અધિકારીની દિલ્હીના લાજપતનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઈના જણાવ્યા મુજબ, EDએ 3 અને 4 ઓગસ્ટના રોજ મુંબઇના એક જ્વેલરના ત્યાં દરોડા પાડ્યા હતા, પછી સંદીપ સિંહે કથિત રીતે ધમકી આપી હતી કે જો તે રૂ. 25 લાખ નહીં આપે તો જ્વેલરના પુત્રની ધરપકડ કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમની વચ્ચે ચર્ચા દરમિયાન રૂ. 20 લાખ આપવા પર સહમતી થઈ હતી.
સીબીઆઈને ફરિયાદ મળતાં તેમણે છટકું ગોઠવીને ઈડીના અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓગસ્ટમાં, સીબીઆઈએ દિલ્હી દારૂ નીતિના કૌભાંડમાં દિલ્હીના ઉદ્યોગપતિ અમન ધલને બચાવવા માટે રૂ. 5 કરોડની લાંચ લેવાના આરોપમાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત અન્ય છ અધિકારીઓની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY