(PTI Photo/Ravi Choudhary)

પેરિસ ઓલિમ્પિકમાં ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ગુરુવાર, 9 ઓગસ્ટે  89.45 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આની સાથે નીરજ આઝાદી પછી એથ્લેટિક્સમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટરના તેના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને સફળતાનું પુનરાવર્તન કરી શક્યો ન હતો. બીજી તરફ પાકિસ્તાનના અર્શદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ બનાવીને પોતાના દેશને વ્યક્તિગત સ્પર્ધામાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પાકિસ્તાનની હોકી ટીમે 1984માં લોસ એન્જલસ ગેમ્સમાં છેલ્લી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ 88.54 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.

પાકિસ્તાનના અરશદ નદીમે પ્રથમ પ્રયાસમાં જ ફાઉલથી શરૂઆત કરી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન નીરજ ચોપરાએ પણ પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં ફાઉલથી શરૂઆત કરી હતી. પાકિસ્તાનના અરશદ નદીમે બીજા પ્રયાસમાં 92.97 મીટરના થ્રો સાથે ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો અને ટોચના સ્થાને પહોંચી ગયો. અગાઉ ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ થ્રો 90.57 મીટર હતો. આ રેકોર્ડ નોર્વેના એન્ડ્રેસ થોર્કિલ્ડસનના નામે હતો.

નીરજ ચોપરા ભલે ગોલ્ડ મેડલનો સફળતાપૂર્વક બચાવ કરી શક્યા ન હોય, પરંતુ તે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. નીરજ પહેલા માત્ર કુસ્તીબાજ સુશીલ કુમાર, બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને શૂટર મનુ ભાકર આ સિદ્ધિ મેળવી શક્યા હતા. સુશીલ કુમારે 2008માં બ્રોન્ઝ મેડલ અને 2012 લંડન ઓલિમ્પિકમાં 66 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે સિંધુએ 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યો 2020માં મહિલા સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં જ વ્યક્તિગત અને મિશ્ર સ્પર્ધાઓમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

 

 

LEAVE A REPLY