(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

અદાણી ગ્રૂપના 62 વર્ષીય ચેરમેન ગૌતમ અદાણીએ 70 વર્ષની વયે 1988માં તેમણે સ્થાપેલા આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામ્રજ્યમાંથી નિવૃત્તિ લેવાની અને 2030ના દાયકાની શરૂઆતમાં તેમના બે પુત્રો અને બે ભત્રીજાઓને ગ્રુપનો અંકુશ ટ્રાન્સફર કરવાની યોજના બનાવી છે, એમ બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલમાં જણાવાયું હતું. જોકે ચાર-માર્ગીય નેતૃત્વ માળખાના પડકારો, રાજકીય તપાસ, કાનૂની અને પ્રતિષ્ઠા સંબંધી જોખમો ગ્રુપ સામેના લાંબા ગાળાનો પડકારો છે, એમ તેમણે જણાવ્યું હતું.

ગૌતમ અદાણીના પુત્રો કરણ (37 વર્ષ) અને જીત (26 વર્ષ) પોર્ટ્સ અને એરપોર્ટ બિઝનેસમાં છે જ્યારે તેમના ભત્રીજા પ્રણવ (45) અને સાગર (30) FMCG અને ગ્રીન એનર્જી પોર્ટફોલિયો સંભાળે છે. પ્રણવ ગૌતમ અદાણીના મોટા સાવકા ભાઈ વિનોદ અદાણીનો પુત્ર છે અને સાગર તેમના નાના ભાઈ રાજેશ અદાણીનો પુત્ર છે.

ગૌતમ અદાણીએ વેપાર સ્થિરતા અને સાતત્ય માટે ઉત્તરાધિકારીના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે, મેં પસંદગી બીજી પેઢી પર છોડી દીધી કારણ કે ટ્રાન્ઝિશન ઓર્ગેનિક, ક્રમિક અને ખૂબ જ વ્યવસ્થિત હોવું જોઈએ. 2018ની શરૂઆતમાં ગૌતમ અદાણીએ તેમના પુત્રો અને ભત્રીજાઓને પૂછ્યું હતું કે શું તેઓ તેમની વચ્ચે જૂથ બનાવવા માંગે છે અને અલગ થવા ઈચ્છે છે. ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ તેમની વિદાય પછી પણ એક પરિવાર તરીકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમૂહને એકસાથે ચલાવવા માંગે છે.

અહેવાલમાં જણાવાયા અનુસાર પ્રણવ અને કરણ ચેરમેન બનવા માટેના દેખીતા ઉમેદવાર છે. જોકે બંનેએ બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે બંનેમાંથી કોઈની ચાર્જ લેવાની કોઈ યોજના નથી. જ્યારે ગૌતમ અદાણી નિવૃત્ત થશે, ત્યારે તેમના ચાર વારસદારો ફેમિલી ટ્રસ્ટના સમાન લાભાર્થી બનશે.  એક ગુપ્ત કરાર ગ્રુપની કંપનીઓમાં હિસ્સાના વારસદારોને નક્કી કરશે. ગ્રુપની વિવિધ કંપનીઓ પરિવાર દ્વારા સ્પેશિયલ પર્પઝ વ્હિકલ, વિદેશી સંસ્થાઓ, ફેમિલી ટ્રસ્ટ અને સ્થાનિક રીતે સમાવિષ્ટ સંસ્થાઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

કરણે જણાવ્યું હતું કે ક્રીસ-ક્રોસ હોલ્ડિંગને ટાળવા માટે વર્ષોથી માળખાને સરળ બનાવવામાં આવ્યું છે અને પરિવાર હવે દરેક વ્યવસાયમાં સીધો હિસ્સો ધરાવે છે.

 

LEAVE A REPLY