ઘણા સમય પછી અક્ષયકુમારની કોઈ આકર્ષક ફિલ્મ રીલીઝ થઇ છે. આમ, તો 2021થી અક્ષય સતત ઘણી ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ આ દરમિયાન, ફિલ્મ ‘OMG 2’ સિવાય, તેની અન્ય ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ જાદુ દેખાડી શકી નથી. આ ફિલ્મની કથા એક એવા વ્યક્તિની છે જે પોતાની એરલાઈન્સ શરૂ કરવા ઇચ્છે છે, જેના દ્વારા તે સામાન્ય લોકોને અડધી કિંમતે એર ટિકિટ આપી શકે. આ વ્યક્તિની ભૂમિકા અક્ષયકુમારે ભજવી છે. આ ફિલ્મની વાર્તા કેપ્ટન ગોપીનાથના પુસ્તક ‘સિમ્પલ ફ્લાય: અ ડેક્કન ઓડિસી’ પર આધારિત છે. અક્ષયની સાથે, તેમાં મુખ્ય અભિનેત્રી તરીકે રાધિકા મદન છે.
ફિલ્મમાં, વીર (અક્ષયકુમાર) તેની એરફોર્સની નોકરી છોડીને એક એવા મિશન પર નીકળે છે જેમાં તેને સફળતા મળવાની સંભાવનાઓ કદાચ અશક્ય છે. વીર તેની પોતાની એરલાઈન શરૂ કરવા ઇચ્છે છે, પરંતુ તે તેનો પ્રસ્તાવ લઈને જેની પાસે જાય છે તેનાથી તે નિરાશ થાય છે. તેની મદદ માટે કોઈ આગળ નથી આવતું. વીર હાર સ્વીકારતો નથી અને તેની પત્ની રાની (રાધિકા મદન) તેને ઘણી મદદ કરે છે, દરેક મુશ્કેલીમાં તેની સાથી બની રહે છે. રાનીની પોતાની બેકરી શોપ છે.
વીર ઘણી એરલાઈન્સના માલિકોને મળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈપણ તેને સમય આપવાનો ઈન્કાર કરે છે. પછી એકવાર તે પરેશ ગોસ્વામી (પરેશ રાવલ)ને મળે છે, જે એક એરલાઈનના માલિક છે. પરેશને મળ્યા પછી વીરના જીવનમાં કેવું પરિવર્તન આવે છે તે જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.સુધા કોંગારાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ આખા પરિવાર સાથે જોઈ શકાશે. ઈમોશન સિવાય પણ આ ફિલ્મમાં ઘણું છે.