(EPA-EFE VIA PTI)

શેખ હસીનાની હકાલપટ્ટી પછી બાંગ્લાદેશમાં ફેલાયેલી અરાજકતામાં મુસ્લિમ કટ્ટરવાદીઓના ટોળાએ હિન્દુ મંદિરો, હિન્દુઓના બિઝનેસ, ઘરો વગેરે પર હુમલા ચાલુ કર્યા હતા અને હિન્દુઓમાં ભય ફેલાયો હતો. ખુલના ડિવિઝનમાં આવેલા મહેરપુરમાં એક ઇસ્કોન સેન્ટરમાં મૂર્તિઓની તોડફોડ કરી મંદિરને આગ ચાંપી દેવામાં આવી હતી. ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા દેવીની મૂર્તિઓ તોડી નખાઈ હતી.મંદિર સંકુલમાં રહેતા ત્રણ ભક્તો આબાદ રીતે બચવામાં સફળ રહ્યાં હતાં.

ઇસ્કોન ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રવકતા અને કંન્ટ્રી ડાયરેક્ટર યુધિષ્ઠિર ગોવિંદા દાસે આ ઘટનાને પુષ્ટી આપતાં એક્સ પર પોસ્ટ કરી હતી કે મને મળેલી માહિતી મુજબ મહેરપુર (ખુલના ડિવિઝન)માં અમારા ઇસ્કોન સેન્ટરને ભગવાનની મૂર્તિઓ સહિત સળગાવી દેવામાં આવ્યું હતું. કેન્દ્રમાં રહેતા 3 ભક્તો કોઈક રીતે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતાં અને બચી ગયાં હતાં.ઇસ્કોન દેશભરમાં ઘણા મંદિરો અને કેન્દ્રો સાથે બાંગ્લાદેશમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે.
રવિવારે, હિંસક હુમલામાં ઇસ્કોન અને કાલી મંદિરો સહિત હિંદુ ઘરો અને મંદિરોને ખાસ નિશાન બનાવવામાં આવ્યાં હતાં. રંગપુરના હિન્દુ કાઉન્સિલર કાજલ રોયને પણ મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં.

બાંગ્લાદેશી મીડિયા ડેલી સ્ટારના અહેવાલ મુજબ 27 જિલ્લામાં હિન્દુઓના ઘર અને દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી. કિંમતી ચીજવસ્તુઓ લૂંટી લેવામાં આવી હતી. મંદિરો પર પણ હુમલા થયા છે. અહેવાલ અનુસાર, લાલમોનિરહાટ સદર ઉપજિલ્લામાં ધાર્મિક હિંદુ કાર્યો સાથે સંકળાયેલી પૂજા સમિતિના સચિવ પ્રદીપ ચંદ્ર રોયના ઘરમાં તોડફોડ અને લૂંટ કરાઈ હતી.

બાંગ્લાદેશી મીડિયા અનુસાર, પંચગઢમાં ઘણા હિન્દુઓના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી હતી. ઓક્યા પરિષદના મહાસચિવ મોનિન્દ્ર કુમાર નાથે કહ્યું હતું કે એવો કોઈ વિસ્તાર કે જિલ્લો બાકી નથી જ્યાં હિંદુઓ પર હુમલો ન થયો હોય. તેમને સતત અલગ-અલગ વિસ્તારોમાંથી હુમલાની માહિતી મળી રહી છે.

દિનાજપુર નગર અને અન્ય ઉપનગરોમાં 10 હિન્દુઓના ઘરો પર હુમલા કરાયા હતા. હુમલાખોરોએ શહેરના રેલબજારહાટમાં એક મંદિરમાં પણ તોડફોડ કરી હતી. બાંગ્લાદેશ હિંદુ-બુદ્ધ ક્રિશ્ચિયન કાઉન્સિલના જનરલ સેક્રેટરી ઉત્તમ કુમાર રોયે જણાવ્યું હતું કે ખાનસામા ઉપજિલ્લામાં ત્રણ હિંદુઓના ઘરો પર હુમલો કરાયો હતો. લક્ષ્મીપુરમાં ગૌતમ મજુમદારે જણાવ્યું કે સાંજે 7.30 વાગ્યે 200-300થી વધુ હુમલાખોરોએ તેમની બે માળની ઇમારતને આગ ચાંપી દીધી હતી.

LEAVE A REPLY