શ્રીલંકાના પ્રવાસમાં ભારતીય ટીમે ટી-20 સીરીઝમાં ભારતે 3-0થી ક્લીન સ્વીપ કર્યા પછી વન-ડે સીરીઝમાં ધબડકો વાળ્યો છે. ગત સપ્તાહે મંગળવારે રમાયેલી ત્રીજી ટી-20માં તો શ્રીલંકાએ મેચ લગભગ જીતી લીધા પછી ટાઈ થતાં સુપર ઓવરમાં મેચ ગઈ હતી અને તેમાં ભારતનો વિજય થયો હતો. પણ એ પછી શુક્રવારે અને રવિવારે રમાયેલી પ્રથમ અને બીજી વન-ડેમાં ભારતે ધબડકો વાળ્યો હતો અને શ્રીલંકાને 1-0થી સીરીઝમાં સરસાઈ સહેલાઈથી આપી દીધી હતી.
પલ્લીકેલમાં રમાયેલી ત્રણ ટી-20 મેચની સીરીઝની છેલ્લી મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતાં 9 વિકેટે 137 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. તેના જવાબમાં શ્રીલંકાએ પ્રથમ બે ટી-20ની જેમ જ સારી શરૂઆત કર્યા પછી 16મી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી એ પછી તેના બાકીના બેટર નિષ્ફળ ગયા હતા અને બાકીની 4.4 ઓવરમાં વધુ છ વિકેટ ગુમાવી ફક્ત 27 રન જ ઉમેર્યા હતા. ભારત તરફથી આશ્ચર્યજનક રીતે સુકાની સૂર્યકુમાર યાદવે રીંકુ સિંઘને બોલિંગ આપી હતી અને પોતે પણ બે ઓવર બોલિંગ કરી હતી.
રીંકુને તથા સૂર્યકુમારને બે-બે વિકેટ મળી હતી. શ્રીલંકા તરફથી કુસલ પરેરાએ 46, કુસલ મેન્ડિસે 43 અને પથુમ નિસંકાએ 26 રન કર્યા હતા. ભારત તરફથી રવિ બિશ્નોઈ તથા વોશિંગ્ટન સુંદરને પણ 2-2 વિકેટ મળી હતી. સુપર ઓવરમાં શ્રીલંકાએ ચાર બોલમાં બન્ને વિકેટ ગુમાવી દીધી હતી અને ફક્ત બે રન થયા હતા, વોશિંગ્ટન સુંદરે બન્ને વિકેટ લીધી હતી. તેના જવાબમાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવે પહેલા જ બોલે ચોગ્ગો ફટકારી વિજય મેળવ્યો હતો. વોશિંગ્ટન સુંદરને પ્લેયર ઓફ ધી મેચ તથા સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.
એ પછી વન-ડે સીરીઝની પ્રથમ મેચમાં શુક્રવારે કોલંબોના પ્રેમસાદા સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરતાં શ્રીલંકાએ 8 વિકેટે 230 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમ પણ 8 વિકેટે 230 સુધી પહોંચી ગઈ હતી. એ વખતે 14 બોલ બાકી હતા અને શિવમ દુબે બેટિંગમાં હતો, પણ પછીના બે બોલમાં દુબે અને અર્શદીપ વિજયનો રન કર્યા વિના આઉટ થયા હતા.
એ પછી રવિવારની મેચમાં પણ શ્રીલંકાએ પહેલા બેટિંગ કરી 9 વિકેટે 240 રન કર્યા હતા. તેના જવાબમાં ભારત 42.2 ઓવરમાં ફક્ત 208 રન કરી ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે બે વિકેટે 116 રન પછી કોહલી, શિવમ દુબે, શ્રેયસ ઐયર અને કે. એલ. રાહુલની વિકેટો ઝડપથી ગુમાવી હતી. એ પછી અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે થોડો પ્રતિકાર કર્યો હતો, પણ 190 રને એ બન્નેની વિદાય પછી ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. શ્રીલંકાના સ્પિનર જેફરી વેન્ડરસેએ તરખાટ મચાવી ટોપના તમામ છ ખેલાડીઓની વિકેટ ખેરવી હતી અને એ રીતે તેણે કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કરતાં 10 ઓવરમાં 33 રન આપી છ વિકેટ ખેરવી હતી.