બાંગ્લાદેશમાં સેંકડો દેખાવકારોએ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘ગણભવન’ પર હુમલો કર્યો હતો તથા તોડફોડ અને લૂંટફાટ કરી હતી. કેટલાક ગણભવનના નિવાસસ્થાનમાંથી ખુરશીઓ અને સોફા લઈને જતા જોવા મળ્યા હતાં.સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર રાજધાનીમાં 3/A ધનમંડીમાં હસીનાની પાર્ટી કાર્યાલયને દેખાવકારોએ આગ ચાંપી દીધી હતી. ગૃહપ્રધાન અસદુઝમાન ખાનના ઘરમાં પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી હતી. દેખાવકારોએ હસીનાના પિતા મુજીબુર રહેમાનની પ્રતિમાને હથોડાથી તોડી નાખી હતી
સેંકડો હજારો વિરોધીઓએ કર્ફ્યુનો ભંગ કર્યો હતો અને રાજધાનીની શેરીઓમાં કૂચ કરી હતી. દેખાવકારો વડાપ્રધાનના મહેલ પર પણ હુમલો કર્યો હતો. ઢાકામાં વડાપ્રધાનના અધિકૃત નિવાસસ્થાનમાં લોકો ઘુસ્યા હતા અને ઉજવણી કરી કરી હતી. ઢાકામાં બખ્તરબંધ વાહનો સાથેના સૈનિકો અને પોલીસે હસીનાની ઓફિસ તરફ જવાના માર્ગોને કાંટાળા તાર વડે બેરિકેડ કરી દીધા હતાં, પરંતુ વિશાળ ટોળાએ અવરોધો તોડી નાંખ્યાં હતાં.
શિક્ષણ પ્રધાન સહિતના નેતાઓના ઘરો પર હુમલા
ચટ્ટોગ્રામમાં શિક્ષણ પ્રધાન મોહિબુલ હસન ચૌધરી નૌફેલ અને ચટ્ટોગ્રામ સિટી કોર્પોરેશનના મેયર રેઝાઉલ કરીમ ચૌધરીના નિવાસસ્થાન તેમજ એએલ સાંસદ મોહીઉદ્દીન બચ્ચુના કાર્યાલય પર હુમલો કરાયો હતો. તેની દેખીતી પ્રતિક્રિયારૂપે સ્થાયી સમિતિના સભ્ય અમીર ખોસરુ મહમુદ ચૌધરી સહિત વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) નેતાઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. નરસિંગડીમાં દેખાવકારોના ટોળાએ સત્તાધારી પક્ષના અવામી લીગના છ નેતાઓ અને સમર્થકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં.