(Photo by MD ABU SUFIAN JEWEL/Middle East Images/AFP via Getty Images)

વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે રવિવાર, 4 ઓગસ્ટે દેશભરમાં ફરી ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા 98 લોકોના મોત થયાં હતાં અને સેંકડો ઘાયલ થયાં હતાં. હસીનાના રાજીનામાની માગણી કરી રહેલા લોકો અને શાસક પક્ષના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં 11 પોલીસના પણ મોત થયાં હતાં. વ્યાપક હિંસાને પગલે સત્તાવાળાઓએ મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરી અનિશ્ચિત સમય માટે દેશવ્યાપી કર્ફ્યુ લાદ્યો હતો. જુલાઇથી ચાલુ થયેલી આ હિંસામાં અત્યાર સુધી 300થી વધુ લોકોના મોત થયા છે અને અરાજકતા ફેલાઈ છે.

સરકારના રાજીનામાની એક મુદ્દાની માંગ સાથે વિદ્યાર્થીઓના બેનર હેઠળ રવિવારે સવારે યોજાયેલા એક અસહકાર કાર્યક્રમને પગલે હિંસાની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમનો અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના સમર્થકોએ જોરદાર વિરોધ કર્યો હતો. અનેક સ્થળોએ પોલીસ વાહનો અને સરકારી ઈમારતો પર તોડફોડ અને આગચંપી કરવાના અહેવાલો મળ્યાં હતાં. દેશભરમાં ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારે સોમવાર, મંગળવાર અને બુધવારે એમ ત્રણ દિવસની જાહેર રજા જાહેર કરી હતી. વિરોધ વચ્ચે ઢાકામાં મોટાભાગની દુકાનો અને મોલ બંધ રહ્યાં હતા. ઢાકાના શાહબાગ ખાતે સેંકડો વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો એકઠા થયા હતા અને તમામ દિશામાંથી ટ્રાફિક અટકાવી દીધી હતો.

બંગાળી ભાષાના અગ્રણી દૈનિક પ્રથમ આલોના રીપોર્ટ મુજબ અસહકાર કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં અથડામણ, ગોળીબાર અને જવાબી હુમલામાં ઓછામાં ઓછા 91 લોકો માર્યા ગયાં હતાં. ઢાકામાં 13 પોલીસ સહિત 22ના, ફેનીમાં આઠના, બોગુરામાં પાંચના, મુંશીગંજમાં ત્રણના, માગુરામાં ચારના, ભોલામાં ત્રણના, રંગપુરમાં ચારના, પબનામાં ત્રણના, જોયપુરહાટમાં એકનું મોત થયું હતું.

પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર દેશભરમાં 14 પોલીસકર્મીઓના મોત થયા હતાં અને 300 પોલીસ જવાનો ઘાયલ થયાં હતાં. તેમાંથી 13ના મોત સિરાજગંજના ઈનાયતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયા હતાં. કોમિલ્લાના ઇલિયતગંજમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

અગાઉ અનામત વિરોધી આંદોલન દરમિયાન આશરે 200 લોકોના મોત થયાં હતાં અને સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદવો પડ્યો હતો. હવે દેશમાં હિંસાનો નવો દોર ચાલુ થયો છે.

વડાપ્રધાન હસીનાએ જણાવ્યું હતું કે વિરોધના નામે દેશભરમાં તોડફોડ કરનારાઓ વિદ્યાર્થીઓ નથી,પરંતુ આતંકવાદીઓ છે અને લોકોએ કડક હાથે તેમને કચડી નાંખવા જોઇએ. હું દેશવાસીઓને અપીલ કરું છું કે આ આતંકવાદીઓને કડક હાથે દબાવી દો. હસીનાએ સુરક્ષા બાબતોની રાષ્ટ્રીય સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ, આરએબી, બીજીબી અને અન્ય ટોચના સુરક્ષા અધિકારીઓએ હાજરી આપી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારના  વિરોધ પ્રદર્શનમાં કટ્ટરવાદી ઇસ્લામી શાશોન્તન્ત્ર આંદોલનના કાર્યકરો અને બીજા લોકો જોડાયાં હતાં. તેમણે રાજધાનીમાં અનેક મુખ્ય રાજમાર્ગો પર બેરિકેડ ઉભા કર્યા હતાં. દેખાવકારોએ પોલીસ સ્ટેશનો, શાસક પક્ષની ઓફિસો અને તેમના નેતાઓના નિવાસસ્થાનો પર હુમલો કર્યા હતા અને અનેક વાહનો સળગાવી દીધાં હતાં. હિંસા વકરતા સત્તાવાળાઓને રવિવારે સાંજે 6 વાગ્યાથી બાંગ્લાદેશના મોટા શહેરો અને નાના નગરોમાં અનિશ્ચિત સમયગાળા માટે કર્ફ્યુનો આદેશ આપ્યો હતો તથા સૈનિકો, પેરામિલિટરી બોર્ડર ગાર્ડ BGB, રેપિડ એક્શન બટાલિયન અને પોલીસ જવાનો ખડક્યાં હતાં.

સરકારે મેટા પ્લેટફોર્મ ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મોબાઈલ ઓપરેટરોને 4G મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ અપાયો હતો.

બીજી તરફ ભૂતપૂર્વ મિલિટરી જનરલોના એક ગ્રૂપે સરકારને સશસ્ત્ર દળોને શેરીઓમાંથી પાછા ખેંચવા અને તેમને બેરેકમાં પાછા મોકલવાનો અનુરોધ કર્યો હતો. ભૂતપૂર્વ આર્મી ચીફ ઈકબાલ કરીમ ભુઈયાએ જણાવ્યું હતું કે સરકારે હાલની કટોકટીનો ઉકેલ રાજકીય પહેલ મારફત કરવો જોઇએ અને સશસ્ત્ર દળોને શરમજનક અભિયાનમાં સામેલ કરી તેમની છબી ખરાબ ન કરવી જોઇએ. આ ગ્રુપે જણાવ્યું હતું કે બાંગ્લાદેશી સશસ્ત્ર દળોએ ક્યારેય જનતાનો સામનો કર્યો નથી અથવા તેમના સાથી નાગરિકોની છાતી પર બંદૂકોને તાકી નથી.

સોમવારે દેખાવકારોએ ક્વોટા વિરોધી આંદોલનમાં માર્યા ગયેલા લોકોની યાદમાં દેશભરમાં શહીદ સ્મારક તકતીઓનું અનાવરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો હોવાથી હિંસા ચાલુ રહેવાની શક્યતા છે.

 

LEAVE A REPLY