અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીએ દેશનાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને પક્ષના અધિકૃત ઉમેદવાર જાહેર કર્યા છે. કમલા હેરિસનો મુકાબલો રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે થશે.
આ જાહેરાત ડેમોક્રેટિક નેશનલ કમિટીના ચેરમેન જેમી હેરિસન દ્વારા સમર્થકો સાથેની ચર્ચા દરમિયાન કરવામાં આવી હતી. આ અંગે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે જણાવ્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ માટે સંભવિત ડેમોક્રેટિક નોમિની તરીકે હું ખુશી અનુભવું છું.”
આ જાહેરાત પછી કમલા હેરિસે ટ્વીટ કર્યું હતું કે, ટ્રમ્પ ખરાબ આર્થિક નીતિઓ અમલમાં મૂકશે, બિલિયોનેર્સને ટેક્સમાં છૂટ આપશે અને વિદ્યાર્થીઓની લોન માફી બંધ કરશે. શું તમે વિશ્વાસ કરી શકો છો કે તેઓએ આ બધું લેખિતમાં આપ્યું છે?

વર્તમાન પ્રેસિડેન્ટ જો બાઈડેને 20 જુલાઇએ બીજી મુદત માટેની ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી, પછી પક્ષના ઉમેદવાર તરીકે કમલા હેરીસનું નામ મોખરે હતું. કમલા હેરીસ 6 ઓગસ્ટથી એ રાજ્યોનો ચાર દિવસનો પ્રવાસ ખેડશે જ્યાં રસાકસીભર્યો માહોલ છે. ડેમોક્રેટિક પક્ષની ચૂંટણી કેમ્પેઇન ટીમે 1 ઓગસ્ટના રોજ તે અંગે જાહેરાત કરી હતી. અમેરિકન મીડિયાના જણાવ્યા મુજબ, હવે વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર તરીકે પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરો, એરિઝોનાના સેનેટર માર્ક કેલી અને મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝના નામ ડેમોક્રેટિક પાર્ટીમાં ચર્ચામાં છે.

LEAVE A REPLY