શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચની ટી-20 સીરીઝમાં પહેલી બન્ને મેચમાં વિજય સાથે શ્રીલંકાને 2-0થી હરાવ્યું હતું. ત્રીજી મેચ પલ્લીકેલમાં જ મંગળવારે રમાવાની છે.
રવિવારે વરસાદના વિધ્ન પછી ડકવર્થ લુઈસ પદ્ધતિના પગલે ભારતે આઠ ઓવરમાં 78 રનના ટાર્ગેટ પછી સાતમી ઓવરમાં જ ત્રણ વિકેટે 81 રન કરી સાત વિકેટે વિજય હાંસલ કર્યો હતો. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતાં નવ વિકેટે 161 રન કર્યા હતા. પણ એ પછી બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમની ઈનિંગમાં પહેલી જ ઓવરમાં વરસાદ શરૂ થયો હતો. એ પહેલા વરસાદના કારણે ટોસ પણ મોડો થયો હતો. ટોસ જીતી ભારતીય સુકાનીએ શ્રીલંકાને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું.
પહેલી મેચની માફક શ્રીલંકાની બેટિંગનો વધુ એક વખત ધબડકો થયો હતો. 10મી ઓવરમાં બે વિકેટે 80 અને 15મી ઓવરમાં ત્રણ વિકેટે 130 રનની મજબૂત સ્થિતિ પછી ભારતીય બોલર્સને ઝડપથી સફળતા મળી હતી અને 20 ઓવરના અંતે શ્રીલંકા ફક્ત 161 રન સુધી પહોંચી શકી હતી. ઓપનર પથુમ નિસંકાના 32 અને કુસલ પરેરાના 53 રન મુખ્ય હતા, તો લાઈન જાળવવામાં નિષ્ફળ છતાં હાર્દિક પંડ્યાએ બે ઓવરમાં 23 રન આપી (વાઈડના છ રન પણ આપ્યા હતા) બે વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં 26 રન આપી ત્રણ વિકેટ તથા અર્શદીપ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી. બિશ્નોઈને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
રવિવારે શુભમન ગિલની જગ્યાએ સંજુ સેમસનને તક અપાઈ હતી, પણ ઓપનર તરીકે તે પહેલા જ બોલે બોલ્ડ થયો હતો. યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 30, સૂર્યકુમાર યાદવે 12 બોલમાં 26 અને હાર્દિક પંડ્યાએ 9 બોલમાં 22 રન કરી ટાર્ગેટ 9 બોલ બાકી હતા ત્યારે જ હાંસલ કરી લીધો હતો.
પ્રથમ ટી-20માં ભારતનો 43 રને વિજયઃ શનિવારે પલ્લીકેલમાં જ રમાયેલી પ્રથમ ટી-20માં ભારતનો 43 રને વિજય થયો હતો. શ્રીલંકાના સુકાની ચરિથ અસલંકાએ ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું અને ભારતે 7 વિકેટે 213 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. ભારતના ઓપનર્સ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ તથા એ પછી સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતે ઝમકદાર બેટિંગ કરી ચાર ઓવરમાં 50, 8.4 ઓવરમાં 100, 13.1 ઓવરમાં 150 અને 18.4 ઓવરમાં 200 રન ઝુડી કાઢ્યા હતા. જયસ્વારે 21 બોલમાં 40, ગિલે 16 બોલમાં 34, સૂર્યકુમારે 26 બોલમાં 58 અને પંતે 33 બોલમાં 49 કર્યા હતા.
જવાબમાં શ્રીલંકાની શરૂઆત પણ મજબૂત રહી હતી અને ભારતીય બોલર્સ તેના ઓપનર્સ સામે નિસ્તેજ જણાતા હતા. નિસંકાએ 48 બોલમાં 79 અને કુસલ મેન્ડીસે 27 બોલમાં 45 કર્યા હતા. 15મી ઓવરમાં નિસંકાની વિકેટ ગુમાવી ત્યારે ટીમનો સ્કોર 140 રનનો હતો અને ત્યાં સુધી તો એવું લાગતું હતું કે ભારતના પડકારને શ્રીલંકા કદાચ પહોંચી વળશે, પણ એ પછી ભારતીય બોલર્સ છવાઈ ગયા હતા અને ચાર બોલ બાકી હતા ત્યારે ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આશ્ચર્યજનક રીતે નવોદિત ખેલાડી રીયાન પરાગે પોતાની પહેલી જ ટી-20 મેચમાં ફક્ત 1.2 ઓવરમાં માત્ર 5 રન આપી ત્રણ વિકેટ ખેરવી હતી. તે સિવાય અર્શદીપ અને અક્ષર પટેલે 2-2 તથા સિરાજ અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી. ચાર ઓવરમાં 41 રન આપી હાર્દિક પંડ્યા સૌથી મોંઘો સાબિત થયો હતો અને તેને એકેય વિકેટ પણ નહોતી મળી. સુકાની સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.