બ્રિટનમાં તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હાર બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના હાઉસ ઓફ કોમન્સના વિપક્ષના નેતા બનવા માટેની રેસમાં પૂર્વ હોમ સેક્રેટરી અને ભારતીય મૂળના 52 વર્ષીય પ્રીતિ પટેલે ઝંપલાવ્યું છે. જ્યારે પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ઉમેદવારી કરવાનો ઇન્કાર કર્યો છે. પટેલ ઉપરાંત ભૂતપૂર્વ મંત્રીઓ કેમી બેડેનોક, જેમ્સ ક્લેવર્લી, ટોમ ટુગેન્ધાત, મેલ સ્ટ્રાઈડ અને રોબર્ટ જેનરિક પણ વિપક્ષના નેતાની રેસમાં જોડાયા છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના વિરોધ પક્ષના નવા નેતાની પસંદગી માટે બે તબક્કામાં મતદાન થવાનું છે અને મતદાનના પરિણામો 2 નવેમ્બરે જાહેર થશે. ત્યાં સુધી પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક આ પદ પર રહેશે. ભારતીય મૂળના નેતા પ્રીતિ પટેલ રેસમાં સામેલ થનાર પ્રથમ મહિલા ઉમેદવાર છે.
પ્રીતિએ પક્ષને એક કરવાનું અને કન્ઝર્વેટિવ પાર્ટીને ફરી એકવાર ચૂંટણીઓના “વિનિંગ મશીન”માં પરિવર્તિત કરવાનું વચન આપ્યું છે. કન્ઝર્વેટિવ પાર્ટીની હાર પર પટેલે કહ્યું હતું કે ‘’અમારા બહાદુર સભ્યો નહિં પણ આપણા નેતાઓ નિષ્ફળ ગયા છે. હવે આપણે દેશના લોકો માટે સકારાત્મક પરિવર્તન લાવવા માટે આપણા કન્ઝર્વેટિવ મૂલ્યોને મજબૂત નીતિઓમાં ફેરવવા પડશે. હવે વ્યક્તિગત વેરથી પહેલા એકતા, પક્ષ પહેલા દેશ અને સ્વાર્થ પહેલા સમર્પણનો સમય આવી ગયો છે. મેં સરકાર અને વિપક્ષમાં 30 વર્ષથી વધુ સમય સુધી સેવા કરી છે. હું આગામી સામાન્ય ચૂંટણી જીતવા માટે આપણા પક્ષને તૈયાર કરી શકું છું.’’
તેમણે દલીલ કરી હતી કે તેમને વિપક્ષમાં કામ કરવાનો અનુભવ છે અને વિરોધ પક્ષના નેતા તરીકે કન્ઝર્વેટિવ્સને સરકારમાં પાછા લાવવા માટે “સંકલ્પ અને નિશ્ચય” દર્શાવી શકે છે.
ટોરી બેકબેન્ચની 1922 સમિતિ દ્વારા જાહેર કરાયેલ બે તબક્કાની ચૂંટણી પ્રક્રિયા બાદ નવા નેતાની ઔપચારિક રીતે પસંદગી કરવામાં આવશે. પદના નોમિનેશન માટે 10 સાંસદોનું જરૂરી સમર્થન મળવું જરૂરી છે. નોમિનેશનની અંતિમ તારીખ સોમવારે બપોરે બંધ થઇ હતી અને હવે ઉમેદવારો સપ્ટેમ્બરમાં આવનારી ટોરી કોન્ફરન્સ પહેલા ઓગસ્ટ સુધી પ્રચાર કરશે.
યુકેમાં જન્મેલા પ્રીતિ પટેલના માતા-પિતા આણંદ જીલ્લાના તારાપુરના વતની છે અને યુગાન્ડાથી યુકે આવ્યા હતા. તેમણે થેરેસા મે અને બોરિસ જૉન્સનની સરકારમાં સેવાઓ આપી હતી. રાજીનામાના સન્માનની યાદીમાં તેમને ડેમહુડથી નવાજવામાં આવ્યા હતા.
તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનની સરકારમાં ભારતીય ડાયસ્પોરા ચેમ્પિયન તરીકે પણ સેવા આપી હતી અને તાજેતરમાં એસેક્સમાં વિથમના સાંસદ તરીકે શપથ લીધા હતા