(istockphoto)
અમેરિકાના એક ટ્રેઝરી અધિકારીએ બુધવારે ભારતની બેંકોને ચેતવણી આપી હતી કે જે નાણા સંસ્થાઓ રશિયાના મિલિટરી ઇન્ડસ્ટ્રીઝ બેઝ સાથે બિઝનેસ કરે છે તેવી નાણા સંસ્થાઓ યુએસની ફાઇનાન્શિયલ સિસ્ટમનો એક્સેસ ગુમાવી શકે છે. આ ઉપરાંત આવી નાણા સંસ્થાઓ પર પ્રતિબંધોનું પણ જોખમ છે.
અમેરિકાના ડેપ્યુટી ટ્રેઝરી સેક્રેટરી વેલી અડેયેમોએ ઇન્ડિયન બેંક એસોસિએશનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “અમે જાણીએ છીએ કે રશિયન આર્મી મશીન ટૂલ્સ અને માઇક્રોઇલેક્ટ્રોનિક્સ જેવી સંવેદનશીલ ચીજો માટે આયાત પર આધાર રાખે છે અને તે આ ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા માટે વિદેશી નાણાકીય સંસ્થાઓનો ઉપયોગ કરે છે.” જોકે પત્રમાં ભારતની બેંકો વિશે કોઈ ખાસ ચિંતા દર્શાવવામાં આવી નથી.
અમેરિકાના પ્રમુખ જો બાઇડને રશિયાના મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ બેઝ સાથે વેપાર કરતી વિદેશી નાણાકીય સંસ્થાઓ સામે પ્રતિબંધો લાદવા ડિસેમ્બરમાં જારી કરેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર પછી આ પત્ર લખવામાં આવ્યો છે. ભારતીય બેંક એસોસિએશનનો આ મુદ્દે તાત્કાલિક કોઇ પ્રતિક્રિયા આપી ન હતી.
ટ્રેઝરી અધિકારીએ જણાવ્યું હતું કે યુ.એસ. ભારત સાથે તેના આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા આતુર છે. એક દાયકામાં બંને દેશો વચ્ચેનો વેપાર 110 ટકાથી વધુ વધ્યો અને તેઓ એકબીજાના સૌથી મોટા વેપારી ભાગીદારો છે. પરંતુ યુ.એસ. અને વૈશ્વિક ગઠબંધન રશિયાને યુદ્ધ માટેના નાણાકીય અને બીજી સામગ્રીથી વંચિત રાખીને યુક્રેન સમાપ્ત કરવા માટે કટિબદ્ધ છે.
અમેરિકાના એક્ઝિક્યુટિવ ઓર્ડર અને તેના પરિમાણોથી ભારતની કંપનીઓ અને નાણા સંસ્થાઓને માહિતગાર કરવા માટે ઇન્ડિયન બેન્ક એસોસિયેશન કેવા પગલાં લેશે તેનો પણ એસોસિયેશન પાસેથી 30 દિવસમાં આ પત્રમાં જવાબ માંગવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે “કોઈપણ વિદેશી નાણાકીય સંસ્થા કે જે રશિયાના લશ્કરી ઔદ્યોગિક આધાર સાથે વ્યાપાર કરે છે તેને પર પ્રતિબંધનું જોખમ છે. આ ઉપરાંત આવી નાણા સંસ્થાઓ અમેરિકાની ફાઇનાન્શિયલ સિસ્ટમ તથા બીજી વૈશ્વિક ફાઇનાન્શિયલ સિસ્ટમનો એક્સેસ ગુમાવી શકે છે. બેન્કોના એસોસિયેશન ઉપરાંત ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એસોસિયેશને પણ આ પત્ર લખવામાં આવ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીએ 2022માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી મોસ્કોથી પોતાને દૂર રાખવાના દબાણનો પ્રતિકાર કર્યો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને પણ મળ્યાં હતા.

LEAVE A REPLY