પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારત ખાતેના અમેરિકાના કોન્સલ જનરલ મેલિન્ડા પાવેકે રવિવારે જણાવ્યું હતું કે આ વર્ષે ભારતમાંથી 18 લાખથી વધુ લોકો અમેરિકાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. ભારત સાથે અમેરિકાના સંબંધ મહત્વપૂર્ણ છે અને લોકોથી લોકોના જોડાણની સુવિધા તેના મૂળમાં છે.

કોલકાતામાં રિલોકેટેડ વિઝા એપ્લિકેશન સેન્ટર (VAC)નું ઉદ્ઘાટન કરતાં તેમણે ટેક્નોલોજી, હેલ્થકેર, રિન્યુએબલ એનર્જી અને અવકાશ સંશોધન જેવા નિર્ણાયક અને ઉભરતા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગની અપાર સંભાવના પર ભાર મુકીને જણાવ્યું હતું કે કાર્યક્ષમતા અને પારદર્શકતાને પ્રાધાન્ય આપતી સરળ વિઝા પ્રોસેસ અને ફેસિલિટી આ સહયોગને વધુ પ્રોત્સાહન આપે છે. તેનાથી ભારતીયો અને અમેરિકનો નવા સાહસો અને અને ભાગીદારી માટે વધુ સશક્ત બનશે. આ વર્ષે અમને અપેક્ષા છે ભારતમાંથી 1.8 મિલિયનથી વધુ પ્રવાસીઓ અમેરિકાની મુસાફરી કરશે.

આ પ્રસંગે ભારત ખાતેના યુએસ મિશનના વિઝા કો-ઓર્ડિનેટર જેફરી માઇલ્સે અમેરિકાની મુસાફરીના રસમાં વધારાનો ઉલ્લેખ કર્યો હતો અને સમગ્ર દેશમાં વેઇટિંગ ટાઇમમાં ઘટાડો કરવા બદલ કોન્સ્યુલર અધિકારીઓના કાર્યની પ્રશંસા કરી હતી.

છેલ્લા વર્ષમાં કોન્સ્યુલર સ્ટાફની નોંધપાત્ર સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં માઇલ્સે જણાવ્યું હતું કે એકલા 2023માં ભારત ખાતેના યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે રેકોર્ડબ્રેક 1.4 મિલિયન યુએસ વિઝા પ્રોસેસ કર્યા હતા. આમાં 700,000થી વધુ વિઝિટર વિઝાનો સમાવેશ થાય છે, જે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રાવેલ અને સાંસ્કૃતિક વિનિમયમાં વિપુલ રસ દર્શાવે છે.

 

 

LEAVE A REPLY