પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વિદેશ જવા માટે તમામ નાગરિકો માટે ટેક્સ ક્લિયરન્સ ફરજિયાત નથી, તેવી કેન્દ્રીય નાણામંત્રાલયે રવિવારે સ્પષ્ટતા કરી હતી. વિદેશ જવા માટે ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત બનાવતી બજેટ દરખાસ્ત પર સમાજના વિવિધ વર્ગો અને સોશિયલ મીડિયામાં આક્રોશ ફેલાયા પછી નાણા મંત્રાલયે  રવિવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ દરખાસ્ત વિદેશ જનારા તમામ લોકોને લાગુ પડતી નથી, પરંતુ માત્ર નાણાકીય ગેરરીતિના આરોપીઓ અથવા તો ટેક્સની મોટી રકમ બાકી હોય તેવા લોકો માટે ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ ફરજિયાત છે.

નાણા મંત્રાલયે ફાઇનાન્સ બિલ, 2024માં ધારાઓની યાદીમાં બ્લેક મની એક્ટ, 2015ના રેફરન્સનો સમાવેશ કરવાની દરખાસ્ત કરી છે, જે હેઠળ કોઈપણ વ્યક્તિએ ટેક્સ ક્લિયરન્સ પ્રમાણપત્ર મેળવવા માટે તેની નાણાકીય જવાબદારીઓ અદા કરવી પડશે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સૂચિત સુધારામાં તમામ નિવાસી ભારતીય માટે ટેક્સ ક્લિયરન્સ પ્રમાણપત્ર મેળવવાની જરૂર નથી. આવકવેરા ધારા, 1961ની કલમ 230 મુજબ, દરેક વ્યક્તિએ ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું જરૂરી નથી. માત્ર અમુક વ્યક્તિઓના કિસ્સામાં, જેમના સંદર્ભમાં કેટલાંક સંજોગો અસ્તિત્વમાં છે, તેમના માટે ટેક્સ ક્લિયરન્સ પ્રમાણપત્ર જરૂરી બનાવે છે.

વર્ષ 2004ના નોટિફિકેશનમાં આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ માત્ર અમુક સંજોગોમાં ભારતમાં રહેતી વ્યક્તિઓ દ્વારા મેળવવાની જરૂર પડી શકે છે. જો કોઇ વ્યક્તિ ગંભીર નાણાકીય ગેરરીતિઓમાં સંડોવાયેલી હોય અને આવકવેરા કાયદા અથવા વેલ્થ-ટેક્સ એક્ટ હેઠળના કેસોની તપાસમાં તેની હાજરી જરૂરી હોય અને તેની સામે ટેક્સ ડિમાન્ડ કરવામાં આવે તેવી શક્યતા છે, તેવા વ્યક્તિ માટે આ સર્ટિફિકેટ જરૂરી છે. આ ઉપરાંત જો વ્યક્તિ પાસેથી   રૂ.10 લાખથી વધુનો પ્રત્યક્ષ કર બાકી છે તથા તેના પર કોઇ ઓથોરિટીએ સ્ટે મૂકેલો નથી તેવા વ્યક્તિ માટે પણ સર્ટિફિકેટ જરૂરી છે.

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ટેક્સ ક્લિયરિંગ સર્ટિફિકેટ મેળવવું શા માટે જરૂરી છે તેના કારણો આપ્યા પછી જદ કોઇ વ્યક્તિને આવું સર્ટિફિકેટ લેવાનો આદેશ આપી શકાય છે. તે માટે આવકવેરા વિભાગ ઇનકમ ટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર અથવા ઈન્કમ ટેક્સના મુખ્ય કમિશનર પાસેથી મંજૂરી લીધા પછી જ ટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવા માટે કહેવામાં આવી શકે છે.

આવકવેરા વિભાગે એવું જણાવીને આવું સર્ટિફિકેટ જારી કરવું પડે છે કે સંબંધિત વ્યક્તિ પાસે આવકવેરા ધારા, અથવા વેલ્થ-ટેક્સ ધારા, 1957, અથવા ગીફ્ટ ટેક્સ એક્ટ, 1958, અથવા ખર્ચ-ટેક્સ ધારા 1987 હેઠળ કોઇ નાણાકીય જવાબદારી નથી.

 

LEAVE A REPLY