હિમાચલપ્રદેશના મંડીથી પ્રથમ વખત સાંસદ બન્યા પછી લોકસભામાં પ્રથમ ભાષણ આપતા કંગના રનૌતે જણાવ્યું હતું કે દેશ 10 વર્ષ પહેલા અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને ચિંતિત હતો પરંતુ હવે તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે. એક્ટરમાંથી રાજકીય નેતા બનેલી કંગનાએ લોકસભાની ચૂંટણીમાં વિજય બદલ વડાપ્રધાન મોદીને ભરપૂર પ્રશંસા કરી હતી.
બજેટ પર ચર્ચા દરમિયાન કંગના રનૌતે જણાવ્યું હતું કે હું આ સંસદની નવી સભ્ય છું, પરંતુ હું તાજેતરની ચૂંટણીઓના મહત્વથી સારી રીતે વાકેફ છું, જેમાં મોદીજીએ સતત ત્રણ ટર્મ જીતીને રેકોર્ડ તોડ્યો છે. આપણે બધા 10 વર્ષ પહેલા આપણી અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે સારી રીતે જાણીએ છીએ. આખું રાષ્ટ્ર ચિંતિત હતું. જોકે આપણે 11મા સ્થાનેથી આગળ વધી પાંચમા સ્થાને પહોંચી ગયા છીએ અને હવે ત્રીજા સ્થાને આવવાનું લક્ષ્ય રાખ્યું છે, જે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે.
હિમાચલપ્રદેશ સામેના પડકારો અંગે બોલતાં તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે અમે એક વિનાશક પૂરનો સામનો કર્યો હતો અને હિમાચલપ્રદેશ તેમાંથી બહાર નીકળી શક્યું નથી તે નિરાશાજનક છે. ત્યાંની કોંગ્રેસ સરકારની બેદરકારીને કારણે પરિસ્થિતિ યથાવત છે. મોદી સરકાર હેઠળ છેલ્લાં 10 વર્ષમાં જેટલું કામ થયું છે તે પહેલાના છ દાયકામાં કરવામાં આવ્યું હતું તેના કરતાં વધુ છે. હિમાચલપ્રદેશમાં, અસ્તિત્વમાં છે તે થોડા રસ્તાઓ પણ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન બનાવવામાં આવ્યા હતાં. હવે રાજ્યમાં AIIMS, IIIT અને વૈશ્વિક કક્ષાની અન્ય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે