પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિવર્ધન સિંહે માહિતી આપી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં હિંસક ઘટના સહિતના વિવિધ કારણોસર 41 દેશોમાં ઓછામાં ઓછા 633 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. સૌથી વધુ 172 વિદ્યાર્થીના મોત કેનેડામાં થયા છે. આમાંથી 18 વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા થયા હતાં. બાકીના વિદ્યાર્થીઓના મોત દુર્ઘટનાઓ અને મેડિકલ ઈમરજન્સીઓ સહિતના કારણોથી થયા હતા.

વિદેશ પ્રધાને લેખિત જવાબમાં જણાવ્યું કે કેનેડામાં સૌથી વધુ 172 ભારતીય વિદ્યાર્થીના મોત થયા છે. આ પછી અમેરિકામાં 108, બ્રિટનમાં 58, ઓસ્ટ્રેલિયામાં 57, રશિયામાં 37 અને જર્મનીમાં 24 વિદ્યાર્થીઓનાં મોત થયા છે. પડોશી દેશ પાકિસ્તાનમાં પણ એક વિદ્યાર્થીના મોત થયું હતું.

વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હિંસક હુમલાઓમાં વધારો થયો છે કે નહીં અને કેટલો થયો છેત તેવા સવાલના જવાબમાં કેન્દ્રિય પ્રધાને માહિતી આપી હતી કે પ્રાપ્ત ડેટા પ્રમાણે વિદેશ ગયેલા ભારતીય સ્ટુડન્ટ્સ વિરૂદ્ધ હિંસામાં વધારો થયો નથી. કેનેડામાં હિંસક હુમલામાં સૌથી વધુ નવ વિદ્યાર્થીઓના મોત થયા છે. અમેરિકામાં 6 તથા ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ચીન અને કિર્ગિસ્તાનમાં એક-એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે.

પ્રધાને જણાવ્યું હતું કે વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ પર આવા હુમલા થાય ત્યારે તરત જ ભારતીય મિશનો યોગ્ય તપાસ થાય તેવા પગલાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરે છે. કટોકટી અથવા અન્ય કોઈ ઈમરજન્સીમાં ભારતીય મિશન/પોસ્ટ વિદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભોજન, રહેઠાણ, દવાઓ આપીને મદદ કરે છે અને શક્ય તેટલી વહેલી તકે તેમના ભારત પરત આવવા અથવા તેમના સ્થળાંતર માટે પ્રયત્નો શરૂ કરી દે છે.

LEAVE A REPLY