First meeting between Modi and Zelensky since Ukraine war
(ANI Photo)

રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના નવા વૈશ્વિક પ્રયાસોની પૃષ્ઠભૂમિમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને યુક્રેનની રાજધાની કિવની મુલાકાત લઇને પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સકી સાથે વાતચીત કરી શકે છે, એમ બહુવિધ રાજદ્વારી સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું.

24 ઓગસ્ટે યુક્રેનના રાષ્ટ્રીય દિવસની આસપાસ મોદીની મુલાકાતનું આયોજન થવાની ધારણા છે. વડા પ્રધાન બે દેશોના પ્રવાસના ભાગરૂપે પોલેન્ડ પણ જઈ શકે છે. જો મોદી મુલાકાત લેશે તો તે લગભગ 45 વર્ષમાં મોદીની યુક્રેનની પ્રથમ અને કોઇ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની પ્રથમ યાત્રા હશે.

મોદીની તાજેતરની મોસ્કો મુલાકાતના મુદ્દે પશ્ચિમી વિશ્વમાં આક્રોશ ફેલાયો હતો ત્યારે હવે મોદીની યુક્રેન મુલાકાત પર ભારતીય અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે અંતિમ તબક્કાની ચર્ચા થઈ છે. કિવની તેમની સૂચિત મુલાકાતને રશિયા-યુક્રેન સંઘર્ષ પર નવી દિલ્હીના સંતુલિત અભિગમ તરીકે પણ જોવામાં આવે છે. આ મુલાકાત અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય થયો નથી કારણ કે “યુદ્ધ ઝોન”ની મુસાફરી માટે લોજિસ્ટિક્સના સંદર્ભમાં મોટા પાયે તૈયારીઓની જરૂર પડશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશ પ્રધાન એસ જયશંકરે 19 જુલાઈના રોજ તેમના યુક્રેનિયન સમકક્ષ દિમિત્રો કુલેબા સાથે ફોન પર વડાપ્રધાનની મુલાકાત અંગે ચર્ચા કરી હતી. નામ ન આપવાની શરતે એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, મોદીની મુલાકાતનો મુખ્ય એજન્ડા રશિયા-યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવાના માર્ગો શોધવાનો હશે.

LEAVE A REPLY