માંકડ મારવા માટે ઈટાલીથી ગેરકાયદેસર રીતે આયાત કરેલા એલ્યુમિનિયમ ફોસ્ફાઈડનો છંટકાવ કરવાથી 11 વર્ષીય પડોશી બાળા ફાતિહા સબરીનનું 2021માં તેના 11મા જન્મદિવસે જ મોત નિપજાવનાર ઇસ્ટ લંડનના ટાવર હેમલેટ્સમાં રહેતી જાસ્મિન અખ્તરને બે વર્ષ માટે સસ્પેન્ડેડ એવી બે વર્ષની જેલની સજા અને 150 કલાક અવેતન કામ કરવાની સજા કરાઇ હતી.
બે બાળકોની માતા, 34 વર્ષીય જાસ્મિન અખ્તરે દવા છાંટતા પહેલા તેનું પેકેજિંગ વાંચ્યું ન હતું. જેને કારણે ગેસ પડોશના ફ્લેટમાં ઘૂસી ગયો હતો. બનાવ બાદ અન્ય બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
11 ડિસેમ્બર, 2021ના વહેલી સવારે ફાતિહાને ઝાડા ઉલ્ટી થતા પેરામેડિક્સે ફાતિહાને ઝાડાની દવા લેવાની અને સાદો ખોરાક ખાવાની સલાહ આપી હતી. એક દિવસ પછી, ફાતિહાએ શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું અને તે સાંજે હોસ્પિટલમાં મૃત્યુ પામતા પહેલા બેભાન થઈ ગઈ હતી.
લંડન ફાયર બ્રિગેડે કાર્બન મોનોક્સાઇડ ઝેર માટે મિલકતની તપાસ કરી હતી પણ કંઈ મળ્યું ન હતું. અન્ય રહેવાસીઓને પણ ખાંસી શરૂ થતાં લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે કોવિડ-19 ફેલાય છે.
તપાસમાં સંડોવણી બહાર આવતા અખ્તરે માનવહત્યાની કબૂલાત કરી હતી.