પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

2020ની શરૂઆતમાં દેશમાં કોવિડ રોગચાળો આવ્યો ત્યારે સરકારના આયોજન અને પ્રક્રિયાઓ નિષ્ફળ ગયા હતા, યુકેમાં “સ્થિતિસ્થાપકતાનો અભાવ” હતો અને દેશ આપત્તિજનક કટોકટીનો સામનો કરવા માટે અયોગ્ય રીતે તૈયાર હતો એમ ગુરુવારે પૂર્ણ થયેલી ‘યુકે કોવિડ-10 ઈન્ક્વાયરી’ નામની સ્વતંત્ર જાહેર તપાસમાં બહાર આવ્યું છે. આ તપાસમાં ભવિષ્યની સિવિલ ઇમરજન્સી માટે “આમૂલ સુધારા”ની હાકલ કરવામાં આવી હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે યુકેમાં રોગચાળા સામે લડવાની તૈયારીઓમાં નોંધપાત્ર ખામીઓને કારણે કોવિડ રોગચાળામાં ધાર્યા કરતાં વધુ મૃત્યુ અને આર્થિક નુકસાન થયું હતું. યુકે સરકારે ખોટા રોગચાળા માટે આયોજન કર્યું હતું. લોકોની આરોગ્ય સુધારણામાં ઘટાડો, વિસ્તૃત આરોગ્યની અસમાનતાઓને અને હૃદયરોગ, ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી લાંબા ગાળાની બિમારીઓના પહેલાથી અસ્તિત્વમાં રહેલા ઉચ્ચ સ્તરને કારણે દેશ “વધુ સંવેદનશીલ” બન્યો હતો.

‘યુકે કોવિડ-10 ઈન્ક્વાયરી’ દ્વારા પ્રકાશિત કરવામાં આવનાર નવ અહેવાલોમાંથી પ્રથમમાં, અધ્યક્ષ બેરોનેસ હીથર હેલેટે જણાવ્યું હતું કે સરકાર “ખોટા રોગચાળા” માટે તૈયાર હતી. યુકેમાં સત્તાવાર રીતે 2023ના અંત સુધીમાં COVID-19 સાથે સંકળાયેલા 2,35,000થી વધુ મૃત્યુ નોંધાયા છે. ફરીથી કોઈ રોગચાળાને આટલા બધા મૃત્યુ અને આટલા દુઃખો તરફ દોરી જવાની મંજૂરી આપી શકાય નહિં. રાજ્ય તરફથી ગંભીર ભૂલો અને આપણી ઇમરજન્સી પ્રણાલીમાં ગંભીર ખામીઓ હતી.”

અહેવાલની મુખ્ય ભલામણોમાં સિસ્ટમોનું આમૂલ સરળીકરણ, ઓછામાં ઓછા દર ત્રણ વર્ષે યુકે-વ્યાપી રોગચાળાના પ્રતિભાવની કવાયત યોજવી અને સમગ્ર સિસ્ટમની સજ્જતા અને પ્રતિભાવ માટે જવાબદાર એક સ્વતંત્ર વૈધાનિક સંસ્થાની રચના કરવાનો સમાવેશ થાય છે. આ તપાસ જૂન 2022માં તત્કાલિન વડા પ્રધાન બોરિસ જૉન્સન દ્વારા શરૂ કરાઇ હતી.

વડા પ્રધાન કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે “દેશની સલામતી અને સુરક્ષા હંમેશા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ, અને આ સરકાર તપાસમાંથી પાઠ શીખવા અને ભવિષ્યના કોઈપણ રોગચાળાની અસરથી દેશને બચાવવા અને તૈયાર કરવા માટે વધુ સારા પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.”

આ તપાસમાં 1,03,000 દસ્તાવેજો, 213 સાક્ષીઓના નિવેદનો પ્રાપ્ત થયા હતા.

LEAVE A REPLY