રગ્બીમાં રહેતા અને ચાર દાયકાઓ સુધી જીપી તરીકે રગ્બીવાસીઓની અને NHSની નિ:સ્વાર્થ સેવા કરનાર ડૉ. કાંતિલાલ બી. પરમારનું 18 જુલાઈ 2024ના રોજ 93 વર્ષની વયે શાંતિપૂર્ણ રીતે નિધન થયું હતું. તેઓ પોતાની પાછળ વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા હતા. સદ્ગત ડૉ. પરમાર એશિયન મિડીયા ગૃપના એક્ઝીક્યુટીવ એડિટર શ્રી શૈલેષભાઇ સોલંકીના સસરા હતા.

ડૉ. કાંતિલાલ બી. પરમારની અંતિમ ક્રિયા શુક્રવારે તા. 26ના રોજ સવારે રગ્બીના રેન્સબ્રુક ક્રિમેટોરિયમમાં કરવામાં આવશે.

કેપી તરીકે મિત્રો અને પરિવારજનોમાં વિખ્યાત ડૉ. પરમાર પોતાના પરિવારની શક્તિનો આધારસ્તંભ હતા અને સૌમ્ય વિશ્વાસુ અને શાશ્વત પ્રેરણારૂપ હતા. તેઓ એક દૈવી આત્મા હતા અને તેમણે પોતાનું જીવન અન્ય લોકોને મદદ કરવા માટે સમર્પિત કર્યું હતું. તેમની કરુણા, શાણપણ અને અસીમ ઉદારતા ઘણા લોકોના હૃદયને સ્પર્શી હતી અને તે માટે તેમને ખૂબ જ યાદ કરવામાં આવશે.

તેઓ પોતાની પાછળ પત્ની રમીલાબેન પરમાર, દિકરી નીલા અને જમાઇ જેમ્સ સ્કોટ, પુત્રી શૈલા અને જમાઇ શૈલેષ સોલંકી, આશર્ન અને એરિયન પરમાર અને ગ્રાન્ડ ચિલ્ડ્રન પૌલોમી, શ્યામલ અને ક્રિષ્ના સોલંકીને વિલાપ કરતા મૂકી ગયા છે.

10મી નવેમ્બર 1930ના રોજ જન્મેલા ડૉ. કાંતિલાલ પરમારે તેમનુ શિક્ષણ ભારતના નવસારીની મદ્રેસા હાઈસ્કૂલમાં લીધું હતું અને 1948માં મેટ્રિક પાસ કરીને નવસારીની ગાર્ડા કોલેજમાંથી માઇક્રોબાયોલોજીમાં બીએસસીનો અભ્યાસ કર્યો હતો. ભણવામાં તેજસ્વી હોવાના કારણે તેમને BSc અને MBBS માટે શિષ્યવૃત્તિ મળી હતી. તેમણે 1964માં અમદાવાદ, ગુજરાતની બી.જે. મેડિકલ કોલેજમાંથી ડૉક્ટર તરીકે લાયકાત મેળવી હતી. અભ્યાસમાં મદદરૂપ થવા શ્રી જયંતભાઇ દેસાઈએ ડૉ. પરમારને પુસ્તકો આપ્યા હતા.

ડૉ. કાંતિલાલ બી. પરમારના લગ્મ 26મી નવેમ્બર 1950ના રોજ અષ્ટગામના શ્રીમતી રમીલાબેન સાથે થયા હતા. 1953માં પુત્રી નીલાના જન્મ બાદ ડૉ. પરમાર સપ્ટેમ્બર 1965માં યુકે આવ્યા હતા. તે સમયે ભારત-પાકિસ્તાન યુદ્ધને કારણે તેમનું વિમાન મુંબઈથી મોસ્કો ડાઇવર્ટ કરાયું હતું. જે પછી હીથ્રો તરફ વાળવામાં આવ્યું હતું. તે સમયે તેઓ એકલા જ યુકે આવ્યા હતા અને તેમના મામાના પુત્ર સાથે બર્મિંગહામમાં 3 મહિના રોકાયા હતા.

તે પછી તેમના પત્ની રમિલાબેન અને પુત્રી નીલા 1968માં યુકે આવ્યા હતા. જ્યાં 1969માં બીજા પુત્રી શૈલા અને 1973માં પુત્ર અશ્વિનનો જન્મ થયો હતો. તેમને પોતાના બાળકો શિક્ષિત છે તે માટે ખૂબ જ ગર્વ હતો.

તેમને સૌ પ્રથમ નોકરી સેન્ટ ક્રોસ હોસ્પિટલમાં રગ્બીમાં નોકરી મળી હતી. 1965-1970 તેમણે જીપી માટે ફરતી ઇન્ટર્નશીપ તાલીમ સાથે સેન્ટ ક્રોસ હોસ્પિટલમાં કામ કર્યું હતું અને પછી હાઉસ ફિઝિશિયન તરીકે ઇન-હાઉસ સર્જન સાથે જોડાયા હતા. તે સમયે તેમનું બોર્ડિંગ અને લોજિંગ ફ્રી હતું અને અઠવાડિયામાં £9 કમાતા હતા.

1966-67માં ડૉ. પરમાર શ્રી સુબોધભાઇના ઘરે ગરવી ગુજરાત અને અશિયન મિડીયા ગૃપના સ્થાપક અને ભાવિ વેવાઇ શ્રી રમણીકભાઈ સોલંકી અને શ્રી નગીનભાઇ સાથે બે અઠવાડિયા માટે રોકાયા હતા અને લંડનનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેઓ રમણીકભાઈ સાથે ગુજરાતના અગ્રણી નેતા અને મુખ્યપ્રધાન શ્રી જીવરાજ મહેતાને મળ્યા હતા.

તે સમયે ડૉ. જીવરાજ મહેતાએ રમણીકભાઈને કહ્યું હતું કે ‘’અપણા સમુદાયને કહો કે મહેનત કરે અને પૈસાનો બગાડ ન કરે. ડૉ. કાંતિલાલનો પરિચય શ્રી રમણીકભાઈ સાથે ગાઢ બનતા તેમણે હાઈ કમિશનરની કેન્ટીનમાં 2-3 વખત સાથે લંચ લીધું હતું.

ડૉ. પરમારે 1970માં જનરલ પ્રેક્ટિસ, નંબર 1 વ્હાઇટહોલ રોડ, રગ્બીમાં જુનિયર પાર્ટનર તરીકે કામની શરૂઆત કરી હતી. તે સમયે ડૉ. હર્ન જીપી સર્જરીના વરિષ્ઠ ભાગીદાર હતા અને ડૉ. સુબ્રત્રા રે ત્યાંના બીજા ડૉક્ટર હતા. 1 વર્ષ પછી, ડૉ. હર્નનું હૃદયરોગના હુમલાથી અવસાન થતા. ડૉ. રે વરિષ્ઠ ભાગીદાર બન્યા હતા. જ્યારે 1973માં ડૉ. પરમાર પાર્ટનર બન્યા હતા. 1975માં ડૉ. રે પ્રેક્ટિસમાંના 6,000 દર્દીઓ પૈકી મોટા ભાગના દર્દીઓને પોતાની સાથે લઈ ગયા હતા. તે પછી ડૉ. પરમારે 1,200 દર્દીઓ સાથે શરૂઆત કરી હતી. મિસ્ટર બીચમે પ્રેક્ટિસ વિકસાવવાની સલાહ આપતા ડૉ. પરમારે તે પ્રેક્ટિસ £12,000માં ખરીદી હતી. તે  બિલ્ડિંગ પણ ખરીદીને ડૉ. પરમારે પ્રેક્ટિસ બાંધવા સવિશેષ મહેનત કરવી પડી હતા.

1975થી ડૉ. પરમાર એકલા હાથે પ્રેક્ટિસ ચલાવતા હતા. પણ અન્ય પ્રેક્ટિશનર (વરિષ્ઠ ડૉક્ટર) નિવૃત્ત થતા તેમણે નવા ડૉક્ટરની ભરતી માટે જાહેરાત કરતા 20 ડોકટરોએ અરજી કરી હતી. જે પૈકી ડૉ. પરમારે 3,500 દર્દીઓની સારવાર માટે એક ડૉક્ટરને પસંદ કર્યા હતા. તે પછી પ્રથમ 1983માં અને બાદમાં અન્ય મળી બે ભાગીદારો પ્રેક્ટિસમાં જોડાયા હતા. તે પછી જગદીશ પટેલ ભાગીદાર બન્યા હતા. ડૉ. પરમારે મુશ્કેલ સંજોગોમાં સફળ સર્જરી સંભાળી હતી. તે ઉપરાંત 15 વર્ષથી તેમણે ફેમીલી પ્લાનિંગ ક્લિનિક, રૂમેટોલોજી ક્લિનિક ચલાવ્યું હતું. જે બન્ને ક્લિનિક્સ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હતા. ડૉ. પરમારે 1980માં પોલીસ સર્જન તરીકે પણ કામ કર્યું હતું અને 2002માં પ્રેક્ટિસ વેચી નિવૃત્ત થયા હતા.

ભારતમાં તેમના પારિવારીક ઘર ભગુ નિવાસમાં તેમને સર્જરી કરવાની ઇચ્છા હતી. પણ તેમના ભાઈઓ ઘર વેચવા માંગતા ન હતા.

1983 ડૉ. પરમારે તેમના પત્ની સાથે રગ્બીમાં સાઈ સેન્ટરની શરૂઆત કરી હતી. જ્યાં બાળકોનો વિકાસ કરવાના ઇરાદાથી દર રવિવારે ત્રણ કલાક (સન્ડે સ્કૂલ) હિંદુ સંસ્કૃતિ, હિંદુ શાસ્ત્રો, ભજન ગાયન, માનવીય મૂલ્યો અને અન્ય ધર્મો વિષેનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું.

ડૉ. પરમારને પેઇન્ટિંગ, ફોટોગ્રાફી, વાંસળી વગાડવાનો, ચેસ રમવાનો, કવિતા અને સાહિત્ય વાંચવાનો, શાસ્ત્રીય સંગીત સાંભળવોનો અને ટેનિસની મેચીસ જોવાનો શોખ હતો. તેઓ નવસારીમાં ભણતા હતા ત્યારે ફૂટબોલ પણ રમતા હતા.

પોતાને જે સમાજે આપ્યું છે તે સમાજને અર્પણ કરવાની ભાવના સાથે તેમણે ભારતમાં બાળકોને શિક્ષિત કરતી સંસ્થાઓ, મેડીકલ સેવાઓ આપતા સંસ્થાઓ, એનિમલ વેલ્ફેર અને સાંસ્કૃતિક સંસ્થાઓને અસંખ્ય સખાવતી કારણો માટે દાન આપ્યું હતું. તેમણે ભારતમાં મેડિકલ કેમ્પ ચલાવ્યા હતા અને 40 ડોકટરોના જૂથને પુટ્ટપર્થી લઈ જઈને એક સમયે 4 અઠવાડિયા સુધી મેડિકલ કેમ્પ ચલાવ્યો હતો.

જમાઇ શ્રી શૈલેશ સોલંકીએ એક વખત ડૉ. પરમારને અમસ્તા જ પૂછ્યું હતું કે ‘’તમે ડોક્ટર કેમ બન્યા?’’

ત્યારે કેપીના નામથી ઓળખાતા ડૉ. પરમારે કહ્યું હતું કે ‘’હું મારાથી બને તેટલી શ્રેષ્ઠ સેવા કરવા માંગતો હતો. મારા પરિવારની ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું. ત્યારે મેં કહ્યું હતું કે “હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ અને તેમના આશીર્વાદથી જ મને હું મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો.’’

LEAVE A REPLY