વેસ્ટ યોર્કશાયરના લીડ્ઝ શહેરમાં બાળકોની સુરક્ષાના મુદ્દા બાબતે કામ કરી રહેલા ચાઇલ્ડ કેર એજન્સીના સોસ્યલ વર્કર્સ સાથેની તકરાર બાદ તા. 18ને ગુરુવારે સાંજથી ફાટી નીકળેલા તોફાનોમાં તોફાની તત્વોએ ઉત્પાત મચાવી એક બસને આગ ચાંપી દઇ પોલીસ કારને નુકશાન પોહંચાડી ઉંધી વાળી દીઘી હતી. હિંસા ભડકી ઉઠતા ઘટના સ્થળે ધસી ગયેલી પોલીસ પર રોષે ભરાયેલા લોકોએ પથ્થરો મારો કર્યો હતો. આ અવ્યવસ્થા શુક્રવારે વહેલી સવાર સુધી ચાલુ રહી હતી.

હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને લીડ્ઝના હેરહિલ્સ વિસ્તારમાં મિલકતને નુકસાન થયું છે, પણ કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે લોકોને અફવા ન ફેલાવવા વિનંતી કરી હતી. હોમ સેક્રેટરીએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મેયર ટ્રેસી બ્રેબિને જણાવ્યું હતું કે, તોફાનોમાં કોઈ જાનહાનિ થઈ નથી અને લોકોને અફવાથી દૂર રહેવાની અપીલ કરી હતી.

ક્લિફ્ટન માઉન્ટ, હેરહિલ્સના 37 વર્ષીય આઇસ્ટિન ડોબ્રે પર બસ સળગાવવા, હિંસક અવ્યવસ્થા અને જીવને જોખમમાં મૂકવા માટે અવિચારી રીતે આગ લગાડવાનો આરોપ મૂકી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

પોલીસે હિંસક તોફાનોની શંકાના આધારે વધુ પાંચ લોકોની ધરપકડ કરી હતી જેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ તોફાનો બાદ પકડેલા ચાર લોકોની વધુ તપાસ  કરી રહી છે. શુક્રવારે સાંજે, હેરહિલ્સમાં એક વિજીલનું આયોજન કરાયું હતું.

પોલીસે જાહેર હુકમના ગુનાની શંકાના આધારે એક મહિલાની ધરપકડ કરી હતી જેને “આઉટ ઓફ કોર્ટ ડીસ્પોઝલ” (OOCD) કાર્યવાહી કરાયા બાદ છોડી દેવાઇ હતી.

સોશ્યલ મીડિયા પર ફરતા વિડીયોમાં બાળકો સહિતના લોકો પોલીસ કારની તોડફોડ કરતા અને પછી તેને ઉથલાવી દેતા દેખાયા હતા. પોલીસે વધુ મદદ મેળવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. કેટલાક રોડ બંધ કરાયા હતા અને લોકોને વિસ્તારની મુલાકાત લેવાનું ટાળવા અને ઘરમાં જ રહેવા અપીલ કરાઇ હતી.

હોમ સેક્રેટરી હ્વવેટ કૂપરે લીડ્ઝના એલેન્ડ રોડ પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ ફાટી નીકળેલ તોફાનોની નિંદા કરી જવાબદારોને “કાયદાની સંપૂર્ણ શક્તિ”નો અનુભવ થવો જોઈએ તેમ કહ્યું હતું. તોફાનીઓ કાયદાના સંપૂર્ણ બળનો સામનો કરે તે ખરેખર મહત્વપૂર્ણ છે અને તે મુદ્દા પર પોલીસ સાથે વાત કરી રહી છું.’’ તેમણે એક્સ પર પોસ્ટ કરીને હિંસાની ટીકા કરી હતી.

લીડ્ઝ સિટી કાઉન્સિલે આ ઘટનાની “તાત્કાલિક સમીક્ષા” હાથ ધરવાનું વચન આપ્યું છે. ઓથોરિટી અને રોમાનિયન અને રોમા કોમ્યુનિટી વતી જારી કરાયેલ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે: “કાઉન્સિલ કેસની તાત્કાલિક સમીક્ષા કરવા અને રોમાનિયન અને રોમાની આગેવાની હેઠળની સંસ્થાઓ, ચર્ચો અને ઓનરરી કોન્સ્યુલેટ સાથે કામ કરવા સંમત થઈ છે.

CCTV ફૂટેજ સહિતની ડિસઓર્ડર વિશેની માહિતી ધરાવનાર લોકોને વેસ્ટ યોર્કશાયર પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.

LEAVE A REPLY