ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસથી મોત અને તેના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આ વાયરસથી અત્યાર સુધી 36 બાળકોના મોત થયા હોવાની આશંકા છે. આ ઉપરાંત કેસની સંખ્યા પણ વધીને 88 થઈ હતી.
રાજ્યના આરોગ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં ચાંદીપુર વાયરસના બે, અરવલ્લીમાં બે, બનાસકાંઠામાં બે નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગરક, ગાંધીનગર, ખેડા,મહેસાણા, નર્મદા, વડોદરા અને રાજકોટમાં એક-એક નવા કેસ નોંધાયા હતા. ચાંદીપુરા વાઇરસને કારણે થયેલા પાંચ શંકાસ્પદ મૃત્યુ પૈકી, મહિસાગર, ખેડા અને વડોદરામાંથી એક-એક અને બનાસકાંઠામાંથી બે મૃત્યુ નોંધાયા હતા. પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)એ શનિવારે ગુજરાતમાંથી ચાંદીપુરા વાયરસના નવ કેસની પુષ્ટિ કરી હતી.
જરાતમાં ચાંદીપુરા નામના ખતરનાક વાયરસનો ચિંતાજનક હદે ફેલાવો થઈ રહ્યો છે. રાજ્યમાં 10 જુલાઇથી 17 જુલાઇ દરમિયાન આ વાયરસથી ઓછામાં ઓછા 10 બાળકોના મોત થયા હતાં. સૌ પ્રથમ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં પાંચ મૃત્યુ નોંધાયાં હતાં. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, મહેસાણા અને રાજકોટ જિલ્લામાંથી કેસ નોંધાયા છે.
ચાંદીપુરા વાઇરસમાં તાવ આવે છે તથા ફલૂ જેવા લક્ષણો અને તીવ્ર એન્સેફાલીટીસ (માથાનો દુઃખાવો જોવા મળે છે. તે મચ્છર, બગાઇ અને માટીની માખીઓ દ્વારા ફેલાય છે. જો તેની તાકીદે સારવાર કરવામાં ન આવે તો મોત થઈ શકે છે. તેનો મૃત્યુદર 75% સુધી છે. આ ચેપ 9 મહિનાથી 14 વર્ષની વયના બાળકોમાં જોવા મળે છે. ચાંદીપુરા વાયરસ ચેપી નથી. જોકે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન દેખરેખ હાથ ધરવામાં આવી છે. સરકારે 4,487 ઘરોમાં 18,646 વ્યક્તિઓની તપાસ કરી છે.
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી, પહેલો કેસ વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં નોંધાયો હતો. આ ચેપ સામાન્ય રીતે વરસાદની મોસમમાં જોવા મળે છે. આ ચેપી રોગ માખી અને મચ્છરના કરડવાથી થાય છે.