કેન્દ્રીય બજટના એક દિવસ પહેલા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને સોમવાર, 22 જુલાઈએ રજૂ કરેલા આર્થિક સરવેમાં 2024-25ના નાણાકીય વર્ષમાં 6.5થી 7 ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કરાયો હતો, જે ગયા નાણાકીય વર્ષની 8.2 ટકાની વૃદ્ધિ કરતાં નીચી છે. નાણાપ્રધાન આર્થિક વૃદ્ધિ પર ભૂરાજકીય જોખમોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આર્થિક સરવે રજૂ કર્યા પછી નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે સવારે લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
આર્થિક સરવેમાં જીડીપીનો અંદાજ રિઝર્વ બેન્કના 7.2 ટકાના વૃદ્ધિ અંદાજ કરતાં થોડો ઓછો છે. જોકે, IMF અને ADB સહિતની મોટી વૈશ્વિક એજન્સીઓએ 7 ટકાના દરે વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.
મુખ્ય આર્થિક દસ્તાવેજમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વ્યાજ દરો નક્કી કરવામાં ખાદ્ય ફુગાવાને જોવાનું બંધ કરવું જોઈએ અને સરકારે ખાદ્યપદાર્થોના ઊંચા ભાવનો સામનો કરવા માટે ગરીબોને કૂપન આપવા અથવા સીધા રોકડ ટ્રાન્સફરના વિકલ્પોની વિચારણા કરવી જોઇએ.
સરવેમાં જણાવ્યા મુજબ ભારતીય હવામાન વિભાગની સામાન્ય વરસાદની આગાહી અને અત્યાર સુધી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સંતોષકારક પ્રગતિથી કૃષિ ક્ષેત્રની કામગીરીમાં સુધારો કરશે અને ગ્રામીણ માંગના પુનરુત્થાનને ટેકો આપશે. GST અને IBC જેવા માળખાકીય સુધારા પણ પરિપક્વ થયા છે અને પરિકલ્પિત પરિણામો આપી રહ્યા છે. 2024માં ભૌગોલિક રાજકીય સંઘર્ષમાં વધારો થવાથી સપ્લાય ખોરવાઇ જવાની, કોમોડિટીના ભાવામાં વધારો થવાની તથા ફુગાવા વધવાની ધારણા છે. તેનાથી વ્યાજદરને હળવા કરવાની પ્રક્રિયાને નેગેટિવ અસર થઈ શકે છે.
ફાઇનાન્શિયલ ક્ષેત્રનું ભાવિ તેજસ્વી હોવાનો ઉલ્લેખ કરીને સરવેમાં જણાવાયું છે કે નબળાઈઓ પર ચુસ્ત તકેદારી રાખવાની જરૂર છે કારણ કે ભારતને આ તબક્કે અર્થવ્યવસ્થાના વધુ ફાઇનાન્શિયલલાઇઝેશન પરવડે તેમ નથી. ભારતીય નાણાકીય ક્ષેત્ર “ટર્નપાઈક મોમેન્ટ” પર છે, ધિરાણ માટે બેંકિંગ સપોર્ટનું વર્ચસ્વ ઘટી રહ્યું છે અને મૂડી બજારોની ભૂમિકા વધી રહી છે.વધુમાં, ઉચ્ચ સ્તરનું ખાનગી ક્ષેત્રનું ધિરાણ અને નવા સ્ત્રોતોમાંથી સંસાધન એકત્રીકરણ ભારત માટે ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે નિર્ણાયક બનશે.
આર્થિક સર્વે મુજબ મોંઘવારી કાબૂમા છે અને ભૂ-રાજકીય તણાવો છતાં આર્થિક સ્થિતિ સારી છે. આ આર્થિક સર્વેમાં ખાનગી સેક્ટર અને સરકારમાં પાર્ટનરશિપ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
આ આર્થિક સર્વેમાં રોજગાર સંબંધિત ડેટા રજૂ કરવામાં આવ્યા હતાં, જે દેશની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વસ્તીના ગુણોત્તરમાં વૃદ્ધિ સાથે કોરોના મહામારી પછી દેશનો વાર્ષિક બેરોજગારી દર ઘટી રહ્યો છે. 15 વર્ષ કરતા વધુ વય જૂથ માટે શહેરી બેરોજગારીનો દર માર્ચ 2024 માં ઘટીને 6.7 ટકા થયો છે જે ગયા વર્ષે 6.8 ટકા હતો.