ભારતમાં વિદેશી રોકાણમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે સીધા વિદેશી રોકાણ (FDI) અને વિદેશી રોકાણ માટેના નિયમોને સરળ બનાવવાની જાહેરાત કરી હતી.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સીધા વિદેશી રોકાણને સરળ બનાવવા તથા વિદેશી રોકાણ માટે કરન્સી તરીકે ઇન્ડિયન રૂપીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એફડીઆઈ અને વિદેશી રોકાણો માટેના નિયમો અને નિયમનો સરળ બનાવવામાં આવશે.
નાણાપ્રધાનની આ જાહેરાત અંગે ટીપ્પણી કરતાં ડેલોઈટ ઈન્ડિયાના અર્થશાસ્ત્રી રુમકી મજુમદારે જણાવ્યું હતું કે વિશ્વભરમાં એફડીઆઈનો પ્રવાહ ઘટી રહ્યો છે અને વૈશ્વિક લિક્વિડિટીમાં ઘટાડો અને અનિશ્ચિતતાનો ભોગ ભારત પણ બન્યું છે. રોકાણકારોના વિશ્વાસને વેગ આપવા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો કરવાની અને રાજકોષીય ખાધમાં ઘટાડો કરવાના કેટલાંક પગલાંની જાહેરાત કરાઈ છે. આ સ્થિતિમાં એફડીઆઇ અને વિદેશી રોકાણના સરળ નિયમો અને નિયમનોથી દેશમાં મૂડીપ્રવાહને વેગ મળશે. આ નિયમોને સરળ બનાવવાની લાંબા સમયથી માગણી થઈ રહી હતી. વિદેશી રોકાણ માટે સ્થાનિક રૂપિયાને પ્રોત્સાહન આપવાથી સ્થાનિક ચલણની માંગને વેગ મળશે અને રૂપિયાના મૂલ્યને સપોર્ટ મળશે.
કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર, ટેલિકોમ, ઓટો અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં ઓછા રોકાણને કારણે ભારતમાં FDI ઇક્વિટી પ્રવાહ 2023-24માં 3.49 ટકા ઘટીને USD 44.42 અબજ થયો છે.2022-23 દરમિયાન FDI ઇક્વિટી પ્રવાહ 46.03 બિલિયન ડોલર રહ્યો હતો. 2021-22માં દેશમાં 84.83 બિલિયનનો એફડીઆઇ પ્રવાહ આવ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.
ભારતની FDI નીતિ મુજબ, નિયમોનું પાલન કરવાની જવાબદારી રોકાણ કરનાર કંપની પર રહે છે. FDI નિયમોના કોઈપણ ઉલ્લંઘન બદલ આકરા FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) હેઠળ આકરી કાર્યવાહી થાય છે.
મોટાભાગના ક્ષેત્રોમાં એફડીઆઈને ઓટોમેટિક રૂટ મારફત મંજૂરી આપવામાં આવી હોવા છતાં, મીડિયા, ફાર્માસ્યુટિકલ્સ અને વીમા જેવા ચોક્કસ ક્ષેત્રોમાં વિદેશી રોકાણકારો માટે સરકારની મંજૂરી જરૂરી છે.