(PTI Photo via ACC)
શ્રીલંકામાં રમાઈ રહેલી એશિયા કપ મહિલા ક્રિકેટમાં ભારતીય ટીમે સૌપ્રથમ વખત ટી-20માં 200 પ્લસનો સ્કોર કરવાના વિક્રમની સાથે જ રવિવારે (21 જુલાઈ) યુએઈને 78 રને હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત કર્યો છે. ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કોર અને વિકેટકીપર બેટર રીચા ઘોષની ફિફ્ટીના સહારે ભારતે પાંચ વિકેટે 201 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. યુએઈની ટીમ સાત વિકેટે 123 રન જ કરી શકી હતી, જેના પગલે ભારતે સળંગ બીજો વિજય હાંસલ કર્યો હતો.
એ અગાઉ, શુક્રવારે ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ગ્રુપ-એમાં ભારતીય મહિલા ટીમ ચાર પોઈન્ટ અને +3.386ના નેટ રનરેટ સાથે ટોપ  પોઝિશન પર રહી છે. રીચા ઘોષે 29 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 64 રન કર્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. રીચાએ 26 બોલમાં જ અડધી સદી ફટકારી હતી અને અંતિમ ઓવરમાં પાંચ ચોગ્ગાની મદદથી 20 રન ઝૂડી નાખ્યા હતા.
ભારતને પ્રથમ બેટિંગમાં ઉતારવાનો નિર્ણય યુએઈની સુકાનીએ લીદો હતો અને ભારતની શરૂઆત તો નબળી રહી હતી. ઓપનર શેફાલી (37) સિવાય સ્મૃતિ મંધાના (13) અને હેમલતા (2) લાંબો સમય ટકી શકી નહોતી. સુકાની હરમનપ્રીત કોરે 47 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 66 રન કર્યા હતા. જેમિમાહ (14) ની વિકેટ પડી ત્યારે 106 રને ભારતે ચોથી વિકેટ ગુમાવી હતી. એ પછી રીચા ઘોષે કેપ્ટન કોરનો સાથ આપ્યો હતો અને પાંચમી વિકેટની ભાગીદારીમાં 75 રન કરી ભારતનો સ્કોર 200 નજીક પહોંચાડ્યો હતો.
ભારતનો વિરાટ સ્કોર ચેઝ કરવા મેદાનમાં ઉતરેલી યુએઈનો બેટિંગમાં ધબડકો થયો હતો. કેપ્ટન ઈશા ઓઝા (38) અને કાવિશા (40) સિવાય અન્ય કોઈ બેટર લડત આપી શકી નહોતી.

LEAVE A REPLY