REUTERS/Francis Mascarenhas/File Photo
ચોખાનો સ્ટોક વધી વિક્રમનજક ઊંચી સપાટીએ પહોંચતા ભારત સરકાર ચોખાની નિકાસ પરના નિયંત્રણો હળવા કરવાની વિચારણા કરી રહી છે. બાસમતી રાઇસ માટે નિકાસના ફ્લોર પ્રાઇસમાં ઘટાડો કરવાની તથા પરબોઇલ્ડ રાઇસ પરના 20 ટકા નિકાસ ટેક્સને બદલે ફિકસ્ડ ડ્યુટી લાદવાની વિચારણા ચાલે છે. આ ઉપરાંત નવી દિલ્હી ચોખાના વાવેતરની પ્રગતિનું મૂલ્યાંકન કર્યા પછી બિન-બાસમતી સફેદ ચોખા પરના નિકાસ પ્રતિબંધની પણ સમીક્ષા કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વમાં ચોખાના સૌથી મોટા નિકાસકાર ભારતે 2023માં નિકાસ પર વિવિધ નિયંત્રણો લાદ્યા હતાં અને તેને 2024માં પણ ચાલુ રાખ્યા હતા. નવી દિલ્હી નિકાસને વેગ આપવા માટે બાસમતી ચોખાની લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પ્રતિટન 950 ડોલરથી ઘટાડીને $800-$850 કરે તેવી ધારણા છે. MEP ઘટાડવાથી ભારતને પાકિસ્તાન સામે તેનો બજારહિસ્સો જાળવી રાખવામાં મદદ મળશે. ભારતને નિયંત્રણો લાદ્યા પછી પાકિસ્તાને આ વર્ષે ચોખાની રેકોર્ડ માત્રામાં નિકાસ કરી હતી.
ભારત અને પાકિસ્તાન બાસમતી ચોખાના અગ્રણી નિકાસકારો છે. નવી દિલ્હી ઇરાન, ઇરાક, યમન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને અમેરિકા જેવા દેશોમાં 4 મિલિયન મેટ્રિક ટનથી વધુ બાસમતીની નિકાસ કરે છે.
અલ નીનો હવામાન પેટર્નને કારણે ઓછા ઉત્પાદનની ધારણાથી  ચિંતિત ભારતે જુલાઈ 2023 માં બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
 હતો અને અન્ય ગ્રેડ પર નિયંત્રણો લાદ્યા હતા.રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશન (REA)ના પ્રમુખ બી.વી. કૃષ્ણા રાવે જણાવ્યું હતું કે ચોખાનો પુરવઠો સ્થાનિક માંગ કરતાં નોંધપાત્ર રીતે વધી રહ્યો છે.  બગાડ અટકાવવા માટે સ્ટોકમાં ઘટાડો કરવા જરૂરી છે. સ્ટોક ઘટાડવાનો સૌથી અસરકારક ઉપાય  નિકાસ પ્રતિબંધો હટાવવાનો છે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર સરકારી વેરહાઉસમાં  ચોખાનો સ્ટોક 1 જુલાઈ સુધીમાં વધીને 48.51 મિલિયન મેટ્રિક ટન થઈ ગયો છે, જે આ મહિના માટે અત્યાર સુધીનો સૌથી વધુ છે અને ગયા વર્ષ કરતાં લગભગ 19% વધુ છે.

LEAVE A REPLY