ગુજરાતમાં સોમવાર, 22 જુલાઈ સુધીમાં મોસમનો સરેરાશ ૩૮.૨૮ ટકા વરસાદ થયો હતો. અલબત્ત, અડધાથી વધુ ભાગમાં ૨૦થી ૪૦ ટકા જેટલો જ વરસાદ ચિંતા ઉપજાવી રહ્યો છે. જોકે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ થયો છે, જ્યારે મધ્ય અને ઉત્તરગુજરાતમાં વરસાદની મોટી ઘટ હતી.
રાજ્યમાં ૧૦૦૦ મિ.મી. કે તેથી વધુ વરસાદ નવ તાલુકામાં પડ્યો હતો, તેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વંથલી, માણાવદર, નવસારીના ખેરગામ, નવસારી, વલસાડ જિલ્લાના ઉમરવાદ, વલસાડ, વાપી, સુરતના ઉમરાપાડાનો સમાવેશ થાય છે. ૧૦૦ ટકા વરસાદ થયો હોય એવા તાલુકામાં દેવભૂમિ દ્વારકાના દ્વારકા (૧૭૫ ટકા), કલ્યાણપુર (૧૦૦), ખંભાળિયા (૧૦૮), પોરબંદર જિલ્લામાં પોરબંદર (૧૨૫) વરસાદ થયો હતો. જૂનાગઢમાં કેશોદ (૧૦૨), માણાવદર (૧૧૩), મેંદરડા (૧૦૦), વંથલી (૧૧૭)માં સો ટકાથી વધારે વરસાદ નોંધાયો હતો.
આની સામે સૌથી ઓછો અરવલ્લીમાં ૧૮.૩૨ ટકા, વરસાદ દાહોદ જિલ્લામાં ૧૯.૭૪ ટકા, પાટણમાં ૨૦.૯ ટકા, ડાંગ ૨૨.૨૧ ટકા, સુરેન્દ્રનગરમાં ૨૩.૯૫ ટકા વરસાદ જ હજુ સુધી થયો હતો. ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, અમદાવાદ તેમજ નજીકના સુરેન્દ્રનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદામાં સાર્વત્રિક વરસાદનો અભાવ રહ્યો હતો.