(ANI Photo/Shrikant Singh)

સંસદના બજેટ સત્રનો સોમવાર, 22 જુલાઈથી પ્રારંભ થયો હતો. 12 ઓગસ્ટ સુધી ચાલનારા આ સેશનમાં કુલ 19 બેઠકો યોજાશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન સોમવારે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો અને 23 દિવસે બજેટ રજૂ કરશે. સરકાર 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટને બદલવા માટેના એક બિલ સહિત છ બિલ રજૂ કરે તેવી અપેક્ષા છે. સરકાર જમ્મુ અને કાશ્મીરના બજેટ માટે સંસદની મંજૂરી પણ મેળવશે.

સંસદના બજેટ સત્રની પૂર્વસંધ્ય રવિવારે સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે કાવડયાત્રા, નીટ પેપર લીક, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા, મણિપુરની સ્થિતિ, રેલવે દુર્ઘટનાઓ, બેરોજગારી અને મોંઘવારી સહિતના વિવાદાસ્પદ મુદ્દે ચર્ચા કરવાની માગણી કરતાં સરકાર અને વિપક્ષ વચ્ચે યુદ્ધરેખા અંકાઈ ગઈ હતી. પ્રથમ દિવસે સંસદમાં વિપક્ષી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટની ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સરકારે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાની તેની તૈયારી દર્શાવી હતી, પરંતુ સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચર્ચાઓ નિયમો મુજબ થશે.

સરકારે તાજેતરની પરંપરા તોડીને સર્વપક્ષીય બેઠકમાં સંખ્યાબંધ નાના પક્ષોને પણ આમંત્રિત કર્યા હતાં. રિજિજુએ સંસદને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે તમામ પક્ષોના સહયોગની હાકલ કરતાં કહ્યું કે તે સામૂહિક જવાબદારી છે. બેઠકની અધ્યક્ષતા કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં વિક્ષેપો સામે વાત કરી હતી અને કહ્યું કે તેની પવિત્રતા જાળવવી જોઈએ.કોંગ્રેસના નેતા કે સુરેશે પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસ સહિતના ઇન્ડિયા બ્લોકના પક્ષોએ પરંપરા અનુસાર લોકસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવાની માગણી કરી હતી.

સર્વપક્ષીય બેઠકમાં રાજ્યસભામાં ગૃહના નેતા અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસના જયરામ રમેશ, કેન્દ્રીય મંત્રી અને એલજેપી નેતા ચિરાગ પાસવાન સહિત 55 નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. ટીએમસી સર્વપક્ષીય બેઠકમાં હાજર રહી ન હતી.

LEAVE A REPLY