ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા અને ભૂતપૂર્વ ગૃહ અધ્યક્ષ નેન્સી પેલોસીએ રવિવારે પ્રેસિડન્ટની રેસમાંથી ખસી જવાના નિર્ણય માટે જો બાઇડનની પ્રશંસા કરી હતી, પરંતુ 5 નવેમ્બરની ચૂંટણીઓ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે કમલા હેરિસને તાત્કાલિક સમર્થન આપવાનું ટાળ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે ઓબામા હેરિસના મેન્ટર ગણાય છે, આમ છતાં તાકીદે કોઇ જાહેરાત ન કરતાં અનેક તર્ક વિતર્ક થવા લાગ્યાં હતાં.
બાઇડનના સમર્થનથી નવા ઉમેદવાર તરીકે હેરિસની સ્થિત સૌથી વધુ મજબૂત બની છે. છતાં તેમણે આવતા મહિને શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન દરમિયાન પક્ષના પ્રતિનિધિઓનું સમર્થન મેળવવું પડશે. બાઇડને 3,896 ડેલિગેટ્સનું સમર્થન છે. આની સામે નોમિનેશન મેળવવા માટે 1,976 ડેલિગેટ્સના સમર્થનની જરૂર પડે છે.
ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન અને ભૂતપૂર્વ સેક્રેટરી ઑફ સ્ટેટ હિલેરી ક્લિન્ટને પ્રેસિડન્ટની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે હેરિસના નોમિનેશનને સમર્થન આપ્યું છે. તેનાથી કમલા હેરિસ માટે નોમિનેશન હાંસલ કરવાનું થોડું સરળ બનશે.
બરાક ઓબામાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આપણે આગામી દિવસમાંથી અનિશ્ચિતતામાંથી પસાર થવું પડશે, પરંતુ મને પાક્કો વિશ્વાસ છે કે અમારા પક્ષના નેતાઓ એવી પ્રક્રિયા હાથ ધરશે કે જેમાંથી ઉત્કૃષ્ટ નોમિની ઉભરી ઊભરી આવશે.