યુનિયન સર્વિસ પબ્લિક કમિશન (UPSC)ના ચેરમેન મનોજ સોનીએ મે 2029માં તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા અંગત કારણોસર રાજીનામું આપ્યું છે, એમ સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું. મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ અને વિવાદાસ્પદ ટ્રેઇની આઇએએસ અધિકારી પૂજા ખેડકરના વિવાદ વચ્ચે તેમના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક ચાલુ થયાં હતાં.
મનોજ સોનીએ એક પખવાડિયા પહેલાં રાજીનામાનું આપ્યું હતું. પરંતુ તેની માહિતી શનિવારે બહાર આવી હતી. તેમણે વ્યક્તિગત કારણસર રાજીનામું આપ્યું છે. જોકે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. તેઓ અનુપમ મિશનમાં વધુ સમય વિતાવવા માગતા હોવાનું માનવામાં આવે છે. વર્ષ 2020માં તેઓ આ મિશનમાં નિઃસ્વાર્થ કર્મયોગી બન્યા છે.
જાણીતા શિક્ષણવિદ સોનીએ ૨૦૧૭ની ૨૮ જૂને કમિશનના મેમ્બર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને ૨૦૨૩ની ૧૬ મેએ તેમણે UPSCના ચેરમેન તરીકે શપથ લીધા હતા.
યુપીએસસીમાં જોડાતા પહેલા મનોજ સોની 1 ઓગસ્ટ, 2009થી 31 જુલાઈ, 2015 સુધી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU), ગુજરાતના વાઇસ ચાન્સેલર તથા એપ્રિલ 2005થી એપ્રિલ 2008 સુધી બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી.
મનોજ સોનીનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. મનોજ સોનીનો જન્મ એક સ્ટ્રીટ હોકરના પરિવારમાં થયો હતો. બાળપણમાં તે અગરબત્તી પણ વેચતાં હતાં. જો કે આ પછી તેમને સફળતાનો વેગ મળ્યો હતો. 40 વર્ષની વયે તેઓ દેશના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા હતા.